કેશવ નારાયણ ગ્રુપ અને અન્ય લોકો સામે હાથ ધરવામાં આવેલી તપાસના ભાગરૂપે કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 17 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની અમદાવાદ ઝોનલ
ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડારિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ અમદાવાદમાં ઘર ખરીદદારો
અને રોકાણકારો સાથે થયેલી રિયલ એસ્ટેટ છેતરાપિંડીના કેસમાં રૂ.129.80 કરોડની સંપત્તિઓ
ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી રોનક રવજીભાઈ સોનાણી, વિપુલભાઈ ગોરધનભાઈ ગાંગાણી, કેશવ
નારાયણ ગ્રુપ અને અન્ય લોકો સામે હાથ ધરવામાં આવેલી તપાસના ભાગરૂપે કરવામાં આવી છે.
સમગ્ર મામલાની શરૂઆત અમદાવાદના ડીસીબી, સેટેલાઇટ,
નવરંગપુરા અને બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 5 એફઆઇઆરના આધારે થઈ હતી, ત્યાર બાદ
ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે
આરોપીઓએ સામાન્ય ઘરખરીદદારો, નાના રોકાણકારો અને મધ્યમ વર્ગીય પરિવારોને જાળમાં ફસાવવા
માટે આકર્ષક પ્રી-લોન્ચ ઓફરો અને 54% થી 100% સુધીના ઊંચા વળતરની લાલચ આપી હતી. જોકે,
આ તમામ સ્કીમો એનએ(બિન-ખેતી) પરવાનગી અને રેરા જેવા જરૂરી કાયદાકીય મંજૂરીઓ વગર જ ચલાવવામાં
આવી રહી હતી. છારોડી સ્કીમમાં આશરે 250 ખરીદદારો પાસેથી નાણાં એકઠા કર્યા બાદ જમીન
કેવલ મહેન્દ્રભાઈ પટેલ અને આશિષ વિષ્ણુભાઈ પટેલ સહિતના અન્ય લોકોને ટ્રાન્સફર કરી દેવાઈ
હતી, જ્યારે શેલાના અક્ષર અનંત પ્રોજેક્ટમાં 44થી વધુ રોકાણકારોને છેતરીને પ્રોજેક્ટ
બંધ કરી દેવાયો હતો અને જમીન પૂરવ રમેશચંદ્ર પટેલ, દીપરાજવીરાસિંહ ઝાલા તેમજ મહેન્દ્રાસિંહ
ચુડાસમા જેવા અન્ય વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
આ આરોપીઓએ ડમી સેલ ડીડ દ્વારા
સંપત્તિઓ ત્રીજા પક્ષકારોને ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હોવાથી ઇડીએ કાર્યવાહી કરીને
છારોડી ખાતે 6,603 ચોરસ મીટર, શેલા ખાતે 7,284 ચોરસ મીટર અને કડી તાલુકાના જેસંગપુરા
તથા અગોલ ખાતે 30,798 ચોરસ મીટર મળીને કુલ રૂ. 129.80 કરોડની જમીનો ટાંચમાં લીધી છે.