• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ગુજરાતમાં કાલથી ચાર દિવસ સુધી વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી

વીજળીના કડાકા સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.8 : ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરશે.  તારીખ 9થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં દરમિયાન સમગ્ર રાજ્યમાં ગાજવીજ, વીજળીના કડાકા સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું જોર વધવાની શક્યતા છે.

 અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

હાલમાં, ગુજરાતમાં વરસાદનું જોર ઘટયા બાદ વધેલા બફારા વચ્ચે ફરીથી બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ સિસ્ટમ્સ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ લાવશે, જેના માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

વરસાદની સંભાવના ધરાવતા વિસ્તારોમાં પાટણ, સમી, હારીજ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાના ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં પણ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે, જેના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણતોના  મતે, ઓગસ્ટ માસમાં તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે, ખાસ કરીને 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા છે. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહી શકે છે. મઘા નક્ષત્રનો વરસાદ કૃષિપાકો માટે અત્યંત ફાયદાકારક નીવડશે તેવી આશા છે. જોકે, 23 ઓગસ્ટ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. 9થી 15 ઓગસ્ટ દરમિયાન છૂટોછવાયો વરસાદ થશે, જેમાં મધ્ય ગુજરાત, વડોદરા અને અમદાવાદના ભાગોનો સમાવેશ થાય છે. 17, 18 અને 19 ઓગસ્ટના રોજ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

મેઘરાજા આગામી નવેમ્બર મહિના સુધી ગુજરાતના મહેમાન બનશે. સપ્ટેમ્બર માસમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થતા વાવાઝોડા સાથે મૂશળધાર વરસાદ ખાબકી શકે છે. સપ્ટેમ્બરમાં ગરમી પણ વધવાની શક્યતા છે, ખાસ કરીને 13 સપ્ટેમ્બર આસપાસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. આ વરસાદ ઉભા પાકોને નુકસાન પહોંચાડી શકે છે અને ખેતરોમાં જીવજંતુનો ભય પણ રહે છે, તેથી ખેડૂત ભાઈઓને પાક સુરક્ષાનાં પગલાં લેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઓક્ટોબર-નવેમ્બર માસમાં પણ સાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે.

જોકે રાજ્યભરમાં વરસાદનું વિતરણ સમાન રહ્યું નથી અને પ્રદેશ મુજબ તેમાં તફાવત જોવા મળ્યો છે. ગુજરાત રિજનમાં સામાન્ય રીતે 570 મીમી વરસાદ નોંધાતો હોય છે, જેની સરખામણીએ અત્યાર સુધીમાં 730 મીમી એટલે કે 28 ટકા જેટલો વધુ વરસાદ નોંધાયો છે. આ વિસ્તારમાં ચોમાસાનું જોર શરૂઆતથી જ સારું જોવા મળ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક