(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.24: રાજ્યના હવામાન
વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ગુજરાત જાહેર
સેવા આયોગ (જીપીએસસી) દ્વારા ઉમેદવારોને મુસાફરીમાં પડનારી અગવડતા અને સુરક્ષાને અગ્રતા
આપીને આયોગે આગામી 26 જુલાઈના રોજ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
આગામી 26 જુલાઈના રોજ જીપીએસસી
દ્વારા વિવિધ સંવર્ગની કૂલ 34 જેટલી અલગ-અલગ જાહેરાતો માટે સામાન્ય અભ્યાસની સંયુક્ત
પ્રાથમિક કસોટી યોજાનારી હતી. આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી આશરે 49 હજારથી વધુ ઉમેદવાર
નોંધાયા હતા. હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રસ્તાઓ
બંધ હોવા તથા વાહન વ્યવહાર ખોરવવાની શક્યતાઓને જોતાં આયોગ દ્વારા ઉમેદવારોના હિતમાં
પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે. જીપીએસસી દ્વારા મોકૂફ રાખવામાં આવેલી આ સંયુક્ત પ્રાથમિક
કસોટી માટેની નવી તારીખો હવે પછી આયોગની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આયોગ
દ્વારા તમામ ઉમેદવારોને નવી તારીખો અને આગળની સૂચનાઓ માટે સત્તાવાર વેબસાઇટના સંપર્કમાં
રહેવા અપીલ કરવામાં આવી છે.