• શુક્રવાર, 24 જુલાઈ, 2026

રાજ્યભરમાંથી 125 એસટી બસના રૂટ રદ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 23: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. નેશનલ અને સ્ટેટ હાઈવે તેમજ અનેક ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોઈ વાહન વ્યવહારને અસર થઈ છે. આ સાથે રાજ્યભરમાંથી 125 જેટલી એસટી બસ દ્વારા ટ્રીપ-રૂટ રદ કરવામાં આવ્યા છે. આ વરસાદથી રાજકોટની એસટી બસોનું પરિવહન પણ પ્રભાવિત થયું છે.

રાજકોટ એસટીના ડેપો મેનેજર ચગે જણાવ્યું હતું કે આ ભારે વરસાદને કારણે રાજકોટ એસટીના રૂટને અસર થઈ છે પરંતુ પરિવહન બંધ નથી કરાયું. રાજકોટથી દક્ષિણ ગુજરાતના રૂટ પર બસો નિયમિત શેડયુલ મુજબ જ રવાના થાય છે પરંતુ ત્યાં આગળ જતા જે હાઈવે કે શહેરની અંદરના ભાગોમાં પાણી ભરાયા હોય તો આગળ વધવાનું જોખમ લેતી નથી. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામા આવી રહી છે. અને એ રીતે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

 વધારે પાણી ભરાયા હોય તો એસટી દ્વારા મુસાફરોને નજીકના સુરક્ષિત સ્થાન પર ઉતારવામા આવે છે અને ત્યાંથી આગળ બાયપાસ રૂટ પર જવામા આવે છે અથવા તો યાત્રા પૂરી કરવામાં આવે છે. રાજકોટ એસટી દ્વારા સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ આગળનો નિર્ણય કરવામા આવી રહ્યો છે.

બીજી તરફ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન ક વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝન સહિત રાજ્યભરમાંથી આજે દક્ષિણ ગુજરાત તરફ જતી 125 એસટી બસ રદ્ કરવામાં આવી હોવાનું નિગમના ઉચ્ચત્તમ વર્તુળોમાંથી જાણવા મળે છે.

રસ્તામાં અધવચ્ચે રહેલી એસટી બસોને જોખમ નહી ખેડવા તાકીદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડ, કિલ્લા પારડી, વાંસદા, વાપી, ધરમપુર, બીલીમોરા, નવસારી, ઉંમરગામ, કપરાડા, નાનાપોંઢા સહિતના રૂટની બસો રદ કરવામાં આવી છે અને સ્થિતિ થાળે ન પડે તેમજ નવી જાહેરાત ન કરાય ત્યાં સુધી બસ રૂટ બંધ રહેશે. હાલ જે એસટી બસો રસ્તામાં અધવચ્ચે છે તેમને સલામત સ્થળે રહેવા, કોઈ પણ પ્રકારનું જોખમ નહીં ખેડવા, ડ્રાઈવર-કંડક્ટરને ડેપો મેનેજર સાથે તેમજ જીપીએસ કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેવા તાકીદ કરાઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક