• રવિવાર, 26 જુલાઈ, 2026

ખેડૂતોના જીવમાં જીવ આવ્યો વાવણીને પુષ્કળ ફાયદો થશે કોરાં રહી ગયેલા વિસ્તારોમાં વરસાદથી વાવણીનો થશે આરંભ

રાજકોટ,તા. 24 (ફૂલછાબ ન્યૂઝ) દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત પછી હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મેઘરાજાનું પુનરાગમન થતાં ખેડૂતોને જીવમાં જીવ આવ્યો છે. વાવણી વિના કોરાં રહી ગયેલા વિસ્તારોમાં વરસાદ પડવાથી હવે મોડે મોડે વાવણી થશે. ખેતરોમાં ઉભા પાકને ભરપૂર ફાયદો થશે. અતિ વરસાદવાળા વિસ્તારમાં પાક ઢળી જવાની પણ ફરિયાદ છે. જોકે અત્યાર સુધીમાં રાજ્યમાં હજુ ફક્ત 45 ટકા વરસાદ પડયો છે. જે સામાન્ય કરતા હજુ ખાસ્સો પાછળ છે.

અલનીનોની અસર તળે વરસાદનું જોર સમગ્ર ગુજરાતમાં ઓછું છે, અસ્થિર છે. દક્ષિણ ગુજરાતમાં બેફામ વરસાદ પડી રહ્યો છે પણ પશ્ચિમ ગુજરાતમાં કેટલાય વિસ્તાર એવા છે જ્યાં વરસાદ થયો જ નથી કે નહીંવત રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ઘણો વિસ્તાર કોરો છે તો કચ્છમાં નામપૂરતો વરસાદ માંડ પડયો છે. આવા વિસ્તારોમાં વાવણી સાવ અધૂરી છે. 20 જુલાઇ સુધીના આંકડા અનુસાર રાજ્યમાં સિઝનના સરેરાશ 85.30 લાખ હેક્ટર સામે 50.83 લાખ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઇ છે. મગફળી અને કપાસ જેવા પાકના વાવેતર મુખ્ય છે, એમાં ય ગયા વર્ષ કરતા મોટો ઘટાડો થયો છે. અન્ય તમામ પાકના વાવેતર વિસ્તાર પણ નબળા છે. જોકે મેઘરાજાએ ખરાંટાણે આગમન કરતા ઉભા પાકને પાણી મળી ગયું છે. જે અનેક તાલુકાઓમાં વાવણી બાકી હતી તેમાં હવે વરાપ નીકળતા કામકાજ શરૂ થશે. જોકે ખેડૂતોના હાથમાં કપાસનો પાક સરી ગયો છે. કપાસ વાવનારા ખૂબ ઓછાં હશે. હવે મગફળીનો વિકલ્પ પ્રથમ છે. મગફળી ન વાવી શકે તે ખેડૂતો કઠોળ પાકોમાં તુવેર, મગ અને અડદ વાવશે. ગુવાર પણ સારો વિકલ્પ છે. એ ઉપરાંત ખેડૂતોને સોયાબીનમાં પણ રસ છે.

જોકે તેલિબિયાંમાં સારું વળતર આપતા અખાદ્ય ગણાતા એરંડાના વાવેતર માટે પણ ખેડૂતો સજ્જ છે કારણકે એરંડાનો સમય હજુ પાક્યો નથી.

ઓગસ્ટમાં એરંડાના વાવેતરની શરૂઆત થશે. એરંડાનો ભાવ મણે રૂ. 1400 ઉપર મળી રહ્યો હોવાથી કિસાનોને આકર્ષણ છે. એરંડા એ રીતે વળતરદાયીપાક બની રહ્યો છે. કિસાન સંઘના ગુજરાત ચેપ્ટરના પૂર્વ અધ્યક્ષ વિઠ્ઠલ દૂધાત્રાએ જણાવ્યું હતું કે આ વખતે નવા નવા વિસ્તારોમાં વરસાદ પડયો છે. જ્યાં વાવણી થઇ ગઇ હતી ત્યાં પાકને જીવતદાન મળી ગયું છે. ખંભાળીયા, દ્વારકા પહેલા નબળા વિસ્તારો હતા પરંતુ ત્યાં પણ વરસાદ થવાથી વાવણી થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026