(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.18 : અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક 17 વર્ષીય યુવકે આપઘાત
કર્યો હોવાની ઘટના ઘટી છે. આત્મહત્યા કરનાર યુવક મેડિકલ ક્ષેત્રનો વિદ્યાર્થી હતો અને
કારકિર્દી બનાવવા માટે નીટ જેવી મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો
હોવાનું જણાયું છે. આશાસ્પદ યુવકે નીટની પરીક્ષાના ત્રણ દિવસ અગાઉ જ આપઘાત કરી લેતા
પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. યુવકે શા માટે આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ
જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
પ્રાથમિક
વિગતો મુજબ ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એરિસ્ટો આનંદમ ફ્લેટના બી બ્લોકમાં છઠ્ઠા માળેથી
રાત્રે અઢી વાગ્યે કહાન પટેલે કૂદીને આપઘાત કરી લીધો હતો. તેણે બેડરૂમની બાલ્કની પાસે
આવેલી સુરક્ષા જાળી કાપી અને ત્યારબાદ ત્યાંથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની
જાણ સૌથી પહેલા બિલ્ડિગના સુરક્ષા કર્મચારીને થઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકો અને પરિવારજનોને
જાણ કરવામાં આવી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સ્થાનિકોના
જણાવ્યા મુજબ છઠ્ઠા માળેથી કૂદકો માર્યા બાદ કહાનના શ્વાસ ચાલુ હતા પરંતુ એમ્બ્યુલન્સ
આવી ત્યાં સુધીમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થી મેડિકલ પ્રવેશ માટે યોજાતી નીટ પરીક્ષાની
તૈયારી કરી રહ્યો હતો. અભ્યાસને લઈને તે નિયમિત રીતે મહેનત કરતો હોવાનું પણ જાણવા મળ્યું
છે. નીટના વિકલ્પ તરીકે તેણે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું. જોકે આ દુ:ખદ પગલું
ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ વિવિધ દિશામાં તપાસ
કરી રહી છે અને પરિવારજનોના નિવેદનો સહિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાની
જાણ મળતાં જ સ્થાનિક પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો
છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ તેમજ અન્ય માહિતીના આધારે સમગ્ર મામલાની
વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.