• શુક્રવાર, 19 જૂન, 2026

રાજ્યમાં 1567 કરોડનું રોકાણ ધરાવતા 15 ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકમાં લેવાયો નિર્ણય : 1238 રોજગારીની તકો ઉભી થશે

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ,તા.18 : ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ રૂ.1,567.18 કરોડનું રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોથી રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ મંજૂરીઓ યોજનાના અંતર્ગત મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠક નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

રાજ્યને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાં સ્થાન અપાવવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ એસજીએસેટી સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્યુફેક્ચારિંગ, ટેક્નોલોજીકલ ઇનોવેશન અને મોટા પાયે ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન આપવાનો છે.  આ યોજના હેઠળ અત્યાર સુધી રાજ્યમાં કુલ રૂ.1,48,336.35 કરોડનું રોકાણ આકર્ષવામાં આવ્યું છે અને આશરે 1,65,053 સીધી રોજગારીનું સર્જન થયું છે. ઉપરાંત, આ યોજનાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને પણ વેગ આપ્યો છે. જેના પરિણામે ગુજરાતમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે.

આ સમિતિ બેઠકમાં મંજૂર કરાયેલા પ્રોજેક્ટમાં ભરૂચ જિલ્લામાં કેમિકલ્સ ક્ષેત્રમાં રૂ.999.82 કરોડના રોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં રૂ.75.72 કરોડ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં રૂ. 44.56 કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, ગાંધીનગર જિલ્લામાં ટેક્સટાઇલ ક્ષેત્રના રૂ.13 કરોડના પ્રોજેક્ટને પણ પ્રોત્સાહન સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક