• ગુરુવાર, 21 મે, 2026

21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ

આ જ તારીખે નીટની ટેસ્ટ પણ લેવાની હોવાથી પોલીસની લેખિત પરીક્ષા મોકૂફ રખાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 20:  ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. જે અનુસાર આગામી 21 જૂનના રોજ લેવાનારી પોલીસ ભરતીની લેખિત પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરની ‘નીટ’ પરીક્ષા તે જ દિવસે હોવાને કારણે વહીવટી અનુકૂળતા ખાતર પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા 21 જૂનના રોજ વિવિધ ટેકનિકલ અને સ્પેશિયલ કેડર માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાઓ હાલ સ્થગિત કરવામાં આવી છે, તેમાં વાયરલેસ પીએસઆઈ, એમટી પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર અને મેકેનિક એમ તમામ સંવર્ગની લેખિત પરીક્ષાઓ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.

21 જૂનના રોજ જ દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની નીટ ની પરીક્ષા પણ યોજાવાની છે. એક જ દિવસે બે મોટી  પરીક્ષાઓ હોવાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં મુશ્કેલી ન પડે અને વહીવટી વ્યવસ્થા જળવાઈ રહે, તે હેતુથી પોલીસ ભરતી બોર્ડે પોતાની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ લેખિત પરીક્ષાઓ રદ્ નથી થઈ, માત્ર હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાઓ માટેની નવી તારીખ હવે પછી ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક