અનેક
સ્થળે થોડા કલાકોમાં જ જથ્થો ખલાસ થઈ જતા પેટ્રોલ પંપો પર અંધાધૂંધીનો માહોલ, તાત્કાલિક
પુરવઠો ફાળવવા તીવ્ર માગ
ડીઝલ
સંકટ ઘેરાયું : પેટ્રોલ પંપો ઉપર એક-એક કિલોમીટર લાંબી કતારો
રાજકોટ,તા.20
: સૌરાષ્ટ્રભરમાં ડીઝલની ગંભીર અછત સર્જાતા ખેડૂતો, વાહનચાલકો અને સામાન્ય જનજીવન પર
વ્યાપક અસર જોવા મળી રહી છે. વાવણી પૂર્વે ખેતીકામ માટે જરૂરી ટ્રેક્ટર અને કૃષિ મશીનરીને
ડીઝલ ન મળતા ખેડૂતો પરેશાન બન્યા છે. અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો
લાગી રહી છે, જ્યારે મર્યાદિત જથ્થો અને અનિયમિત સપ્લાયને કારણે રોષ ફેલાયો છે. ખેડૂતો
દ્વારા સરકાર પાસે તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે.
રાજકોટ
જિલ્લાના વીરપુર પંથકમાં ડીઝલની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેક્ટર અને
ખેતીના સાધનો બંધ થતાં વાવણી પૂર્વે જમીન તૈયાર કરવાની કામગીરી અટકી પડી છે. પેટ્રોલ
પંપ પર કેનમાં ડીઝલ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો માટે કેનમાં ડીઝલ આપવાના
નિયમોમાં તાત્કાલિક વ્યવહારિક છૂટછાટ આપવા અને તાત્કાલિક ડીઝલ વ્યવસ્થાની સરકાર પાસે
ખેડૂતોએ માગ કરી છે.
જૂનાગઢ
શહેર અને જિલ્લામાં ડીઝલનો દેકારો ઉઠયો છે, પેટ્રોલ પંપ ઉપર વાહનોની કતારો લાગી છે.
મર્યાદિત જથ્થો અપાતો હોવાથી મોટા વાહનો લાવવા મુશ્કેલ હોવાથી ટેરેસાની લાઇનો લાગી
રહી છે. માણાવદર તાલુકાના 56 ગામોના ખેડૂતો ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનમાં
ઊભા રહ્યા હતા. ચોમાસા પૂર્વે ખેતી કામો વચ્ચે ડીઝલ ન મળતા ટ્રેક્ટર અને કૃષિ મશીનરી
બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતે કૃત્રિમ તંગીની શંકા વ્યક્ત કરી સરકાર પાસે પૂરતો
જથ્થો ફાળવવાની માગ કરી છે.
માળીયાહાટીનામાં
છેલ્લા દસ દિવસથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકો પરેશાન બન્યા છે. પેટ્રોલ
પંપો પર લાંબી કતારો લાગી રહી છે અને રૂ.2000 સુધીનું જ ડીઝલ આપવામાં આવે છે. ચાર-પાંચ
દિવસે આવતું ડીઝલ થોડા કલાકોમાં ખતમ થઈ જતા સરકાર પાસે નિયમિત સપ્લાયની માગ ઉઠી છે.
વડિયા
ગામમાં ડીઝલની અછતથી ખેડૂતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર
અને કેન સાથે કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. ખેતીની મોસમ વચ્ચે ડીઝલ મર્યાદિત માત્રામાં
અપાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આસપાસના ગામોના ખેડૂતો પણ વડિયા પહોંચી રહ્યા છે.
ડોળાસા
વિસ્તારમાં પેટ્રોલ- ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો, વાહનચાલકો અને સામાન્ય જનતા પરેશાન
બની છે. મગ, તલ અને બાજરીની સીઝન વચ્ચે ટ્રેક્ટર માટે ડીઝલ ન મળતા ખેતીકામ અટવાયું
છે. ઇંધણના અભાવે કોડીનાર માર્કાટિંગ યાર્ડ પણ બંધ કરાયું છે. ગેસની અછત અને ભાવવધારાથી
ઘરખર્ચ તથા ખાણી-પીણીના ભાવોમાં વધારો થયો છે.
દેવભૂમિ
દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિત અનેક વિસ્તારોમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે પરેશાન
બન્યા છે. પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર, બેરલ અને કેરબા સાથે ખેડૂતોની લાંબી કતારો લાગી
રહી છે. કેટલાક સ્થળોએ એકથી દોઢ કિલોમીટર સુધી લાઈનો જોવા મળી હતી. ડીઝલના ટેન્કરો
મર્યાદિત આવતાં થોડા જ કલાકોમાં જથ્થો ખલાસ થઈ જાય છે. વાવણી પૂર્વે ઊભી થયેલી આ સ્થિતિએ
ખેડૂતોની ચિંતા વધારી છે.
ભાણવડ
વિસ્તારમાં કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ સાથે ફરજીયાત ઓઈલ વેચાતું હોવાના આક્ષેપ વચ્ચે
આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદન પાઠવ્યું છે. ડીઝલ ન આપવાની ધમકી આપી નિયમોનો ભંગ
થતો હોવાની ફરિયાદ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી મોંઘવારી બેકાબૂ બનશે તેવી ચિંતા
વ્યક્ત કરાઈ હતી.