નવા
ફોર્મેટ મુજબ પહેલા વિદ્યાર્થીનું નામ અને પછી અટક લખાશે
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 14: ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે વિદ્યાર્થીઓને મળનારી માર્કશીટમાં
ક્યુઆર કેડ સહિતના ફેરફાર જોવા મળશે. બોર્ડના
સચિવ આર.આર. વ્યાસના જણાવ્યા મુજબ આ વર્ષથી માર્કશીટમાં ત્રણ મહત્ત્વપૂર્ણ બદલાવ કરવામાં
આવ્યા છે. અત્યાર સુધી ગુજરાત બોર્ડની માર્કશીટમાં
સુરક્ષા માટે હોલોગ્રામનો ઉપયોગ થતો હતો. હવે તેની જગ્યાએ ક્યુઆર કોડ આપવામાં આવશે.
આ ક્યુઆર કોડ દ્વારા માર્કશીટની વિગતો સરળતાથી ચકાસી શકાશે, જેના કારણે નકલી માર્કશીટ
બનાવવાની શક્યતા ઓછી થશે અને ડિજીટલ વેરિફિકેશન વધુ સરળ બનશે. માર્કશીટમાં વિદ્યાર્થીના
નામ દર્શાવવાની પદ્ધતિમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ માર્કશીટમાં સૌથી પહેલા
વિદ્યાર્થીની અટક અને ત્યારબાદ નામ લખાતું હતું. હવે નવા ફોર્મેટ મુજબ પહેલા વિદ્યાર્થીનું
નામ અને પછી અટક લખાશે. આ પદ્ધતિ પહેલેથી જ સીબીએસઇ બોર્ડમાં અમલમાં છે. બીજો ફેરફાર
એ હશે જેમાં અત્યાર સુધી વિદ્યાર્થીના નામનું મથાળું જેની બાજુમાં વિદ્યાર્થીની અટક
અને પિતાના નામ સાથેનું આખું નામ લખાઈને આવતું હતું. જેની જગ્યાએ હવે નામ, પિતાનું
નામ અને અટક એમ મથાળું આવશે અને મથાળાની નીચે વિદ્યાર્થીની વિગત આવશે.