પ્રસંગમાં
જઈ રહેલી બે બહેનો પૈકી નાની બહેન પર દીપડાએ કર્યો હુમલો, બે કલાકની શોધખોળ બાદ ખેતરમાંથી
મળ્યો મૃતદેહ
કોડીનાર,
તા.14 : કોડીનાર તાલુકાનાં અરણેજ ગામના વાડી વિસ્તારમાં દીપડાએ એક માસૂમ બાળકીનો શિકાર
કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાત્રિના સમયે ખેતરમાંથી પસાર થઈ રહેલી
8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી તેને મૃત્યુને ઘાટ ઉતારી દીધી હતી. બે કલાકની શોધખોળ
બાદ બાળકીનો મૃતદેહ ઘર નજીકનાં બાજરીનાં ખેતરમાંથી મળી આવ્યો હતો.
આ ઘટના
અરણેજ ગામના બીડીના પા વિસ્તારમાં બની હતી. ખેડૂત મહેશભાઈ રામભાઈ ગોહિલની આઠ વર્ષની
દીકરી કોમલ અને તેની બાર વર્ષની મોટી બહેન વિશ્વા રાત્રે આશરે 8:30 વાગ્યે પોતાના વાડી
વિસ્તારના મકાનથી 200 મીટર દૂર આવેલા મોટા બાપાનાં ઘરે એક પ્રસંગમાં જઈ રહી હતી. મોટી
બહેન વિશ્વા આગળ હતી અને કોમલ પાછળ ચાલી રહી હતી ત્યારે અચાનક દીપડાએ કોમલ પર હુમલો
કર્યો. દીપડો કોમલને પોતાના ઝડબામાં ફસાવી મકાન પાસે આવેલા બાજરીનાં ખેતરમાં નાસી ગયો
હતો. વિશ્વાએ દેકારો મચાવતા ઘરના સભ્યો અને ગામના યુવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે
દોડી આવ્યા હતા.
વન
વિભાગને જાણ કરાતા જામવાળા વન વિભાગની ટીમો પણ પહોંચી હતી. આશરે બે કલાકની જહેમત બાદ
દીકરીનો મૃતદેહ ઘરની નજીક બાજરીનાં ખેતરમાંથી મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ
ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, વન વિભાગે આદમખોર બનેલા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા
છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ અને ખેડૂતોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો
છે. આવી ઘટના આ વિસ્તારમાં અનેક વખત બની છે. જેનાં કારણે માનવ જિંદગી ગુમાવવી પડે છે.