19 બહેનોને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ,
6 બહેનોને
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી
અમરેલી,
તા.30 : જિલ્લામાં ઉનાળાની ઋતુ સાથે ગીરકાંઠાના વિસ્તારમાં વન્ય પ્રાણીઓ, શહેરોમાં
શેરીના શ્વાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં મધમાખીઓનો ત્રાસ વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
છે. આજે અમરેલી જિલ્લાનાં મોટી કુંકાવાવ ગામ ખાતે આંગણવાડી બહેનોની ચાલી રહેલી તાલીમ
દરમિયાન મધમાખીઓના અચાનક હુમલાથી 25 જેટલી બહેનો ઘાયલ થતા અફડાતફડી મચી ગઈ હતી. 19
બહેનોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 6 જેટલી બહેનોને સામૂહિક
આરોગ્ય કેન્દ્રમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ
સર્જાયો છે અને સ્થાનિક લોકોએ તંત્ર પાસે વન્ય પ્રાણીઓ, શેરીના શ્વાનો અને મધમાખીઓના
વધતા ત્રાસ સામે તાત્કાલિક પગલાં લેવા માગ કરી છે.
અમરેલી
જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વિવિધ પ્રકારના ત્રાસથી જનજીવન મુશ્કેલ બન્યું છે. એક
તરફ ગામડાઓમાં વન્ય પ્રાણીઓનો ભય છે તો બીજી તરફ શહેરોમાં શેરીના શ્વાનોનો ઉપદ્રવ વધ્યો
છે. ઉનાળાની ગરમીમાં લોકો ઘરમાં રહે તો અસહ્ય ઉકળાટ
અને બહાર સુવે તો વન્ય પ્રાણીઓનો ભય અને ઝાડ નીચે રહેતો મધમાખીનો ત્રાસ આમ બધી બાજુથી
લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
મોટી
કુંકાવાવ ખાતે બાલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આંગણવાડી બહેનોની પોષણક્ષમ અંગેની તાલીમ
ચાલી રહી હતી. તે તાલીમ દરમિયાન મંદિર નજીક આવેલા લીમડાના વૃક્ષ પરથી મધમાખીનું પોડુ
અચાનક નીચે પડતા મધમાખીઓ ઉશ્કેરાઈ ગઈ અને ત્યાં હાજર બહેનો પર હુમલો કરી દંશ મારી દીધા
હતાં. અચાનક થયેલા હુમલાથી આંગણવાડીની બહેનોમાં સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી. ભાગદોડ
વચ્ચે લગભગ 25 જેટલી આંગણવાડી બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક
108 દ્વારા તમામ ઇજાગ્રસ્તોને નજીકના કુંકાવાવના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા
હતા.