• શુક્રવાર, 01 મે, 2026

હાશ...આંશિક રાહત મળશે : ગરમી ઘટવાની આગાહી

મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે : હવામાન વિભાગ

રાજકોટ 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : 7 શહેરમાં પારો 40 ડિગ્રીને પાર 

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 29: છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત ઉંચો જઇ રહ્યો છે. જેના કારણે લોકો અકળાઇ ઉઠયા છે. આકરા તાપના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેના પરિણામે આગામી દિવસોમાં મહતમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ઉકળાટની અસર વર્તાશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં સરેરાશ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતા છે. ખાસ કરીને પવનની દિશા પશ્ચિમ તરફથી ફૂંકાતી હોવાથી ગરમીનો પ્રકોપ થોડો ઓછો થઈ શકે છે. જોકે તાપમાન હજી પણ 40થી 43 ડિગ્રી વચ્ચે જ રહેવાની સંભાવના હોવાથી પૂરી રીતે રાહત મળશે એવું કહી શકાય નહીં.

હાલની સ્થિતિએ સમગ્ર ગુજરાત ગરમીની લપેટમાં છે, જેમાં સૌરાષ્ટ્રનું રાજકોટ 43 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન નિષ્ણાતોના મતે હવે ગરમીનું જોર ઘટવાની શરૂઆત થશે.

હવામાન નિષ્ણાતોની અગાહી અનુસાર એપ્રિલના અંતિમ દિવસો બાદ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે અને મે મહિનાની શરૂઆત સાથે જ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનશે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, તોફાની પવન અને કરા પડવાની શક્યતા છે. ખાસ કરીને 6થી 10 મે દરમિયાન હવામાનમાં અચાનક બદલાવ આવી શકે છે, જ્યારે 11થી 20 મે દરમિયાન પવનની ગતિ વધીને આશરે 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ દરમિયાન વંટોળીય પવન અને કાળી આંધી જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે પણ હવામાનમાં આ પરિવર્તન જોવા મળી શકે છે. સાથે જ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતીય પ્રવૃત્તિઓ વધવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનને વધુ અસર કરશે. આવા અનિશ્ચિત હવામાનને કારણે ખેડૂતો માટે પડકારો ઉભા થઈ શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક