• શુક્રવાર, 01 મે, 2026

હિંમતનગર હાઈવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત : 6નાં મૃત્યુ, 8 ઘાયલ

શામળાજી પાસે જવાનગઢ નજીક બસે કારને પાછળથી ટક્કર મારતા કારનો બુકડો બોલી ગયો

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા.29: સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે એક બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર નજીક જવાનગઢ પાટિયા પાસે એક પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસે કારને ટક્કર મારતા ઘટનાસ્થળે જ કારમાં સવાર છ લોકોનાં મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આઠ લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠયો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ સવારના સમયે હિંમતનગર નજીક જવાનગઢ પાટિયા પાસે કાર ડિવાઈડરના છેડે વળાંક લઇ રહી હતી. ત્યારે બસ ચાલકે સ્ટીયારિંગ પરનો કાબૂ ગુમાવતા બસ કારની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના પાછળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. આ ભીષણ અકસ્માતમાં છ મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યા હતા.

કારમાં સવાર અન્ય મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં અન્ય આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ હતભાગીઓ મોડાસાના સરડોઈના હોવાનું જણાયું હતું અને તેઓ કારમાં સરડોઈથી કૂંપ તરફ જઈ રહ્યા હતા. મૃતક તમામ મહિલાઓની ઓળખ શકરીબેન કમલેશકુમાર નાયક, કાન્તાબેન કાનજીભાઈ નિનામા, હેતલબેન મહેશભાઈ નાયક, મીનાબેન ભીખાભાઈ ભોય, સરલાબેન કાંતીબાલા ભોય અને આશિકાબેન કપિલલાલ નાયક તરીકે થઈ છે. ઘાયલ આઠ લોકો પૈકી બેની હાલત ગંભીર હોવાનું જણાયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક