ભાજપની
બેઠકની ટકાવારી ઘટી પરંતુ વિપક્ષને તેનો કોઈ દેખીતો લાભ નથી
હજી
ગુજરાત ત્રીજા પક્ષને સ્વીકારતું નથી, કોંગ્રેસે અત્યંત પરિશ્રમની જરૂર
રાજકોટ
તા. 29: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામ હવે નજર સામે છે. ફરી એક વાર
ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે જો કે તેની બેઠકોની ટકાવારી ગત ચૂંટણીની સરખામણીમાં ઓછી
થઈ છે પરંતુ તેનો કોઈ સીધો ફાયદો વિપક્ષને થયો નથી. જેની એન્ટ્રી થશે, જેનું પલડું
ભારે છે તેવું કહેવાતું હતું તે આમ આદમી પાર્ટી તો વધારે નબળી પડી છે. કોંગ્રેસને બે
આંકડા સુધી પહોંચતાં પણ હાંફ ચડી ગઈ છે. આમ આદમી પાર્ટી તો નબળી પડી છે. સુરતમા તેને
મહાનગરપાલિકામાં 27 બેઠક હતી તેમાંથી 4 બેઠકે પહોંચી ગઈ છે.
પાટીદાર
મતદારોએ આ વખતે આમ આદમી પાર્ટીને સાથ આપ્યો નથી તેવું તારણ છે. 15 મહાનગરપાલિકાના
261 વોર્ડમાં ચૂંટણી થઈ, 1001માંથી ભાજપને તાતિંગ કહી શકાય તેટલી 894 બેઠક મળી છે.
95 બેઠક ઉપર કોંગ્રેસે હાદરી પુરાવી છે. આમ આદમીને આખા રાજ્યમાં મનપામાં ફક્ત 6 બેઠક
મળી છે એટલે શહેરી વિસ્તારમાં હજી આપની સામાન્ય અસર તો શુ નોંધ પણ નથી. નગરપાલિકામાં
પણ આપને ફક્ત 18 બેઠક મળી છે ભાજપને 1618 બેઠક ઉપર વિજય પ્રાપ્ત થયો છે. કોંગ્રેસને
447 સીટ મળી છે. તાલુકા પંચાયતમાં આપનું પરફોર્મન્સ નોંધપાત્ર છે. 260 પંચાયતો પૈકી
407 બેઠક પર આપ છે જો કે ભાજપની 3422 બેઠકની સામે તો તે કંઈ નથી. જિલ્લા પંચાયતમાં પણ આપને ફક્ત 58 બેઠક મળી છે.
આ સ્થિતિ
જોતાં સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીએ તો પોતાના અસ્તિત્વ માટે ફરીથી લડાઈ શરુ કરવી પડે
તેમ છે. થાય છે એવું કે સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી આપમાં માંડ કોઈ નેતા ઉભા
થાય ત્યાં તેને ભાજપમાંથી તેડું આવે અને તે જતા રહે છે. કોંગ્રેસના મતની ટકાવારી વધી
છે પરંતુ સંગઠનની નબળાઈ તો યથાવત છે. કોંગ્રેસ પ્રજાની વાત સરકાર સુધી લઈ જઈ શકી નહીં.
લોકોની જેમ તે ફરિયાદી બનીને રહી. કોંગ્રેસે પણ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં પરિશ્રમ
કરવો પડશે. આમ આદમી પાર્ટીએ સંગઠન બનાવવું પડશે, કોંગ્રેસે જે સંગઠન છે તેનો ઉપયોગ
કરવો પડશે.