• શુક્રવાર, 13 માર્ચ, 2026

છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇ વે પર 20,383 કરોડનો ટોલ વસૂલાયો

ગાંધીનગર, તા.11 : ગુજરાતમાંથી ઘણી નેશનલ હાઇવે પસાર થાય છે અને એના પરથી કેન્દ્ર સરકાર દ્વારા ટોલ વસૂલવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇ વે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે તેમજ કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇ વેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇ વે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇ વેનાં બાંધકામ અને જાળવણી માટે ફાળવાયેલા ભંડોળની વિગતો માગી  હતી. વધુમાં, તેમણે મુંબઈ-અમદાવાદ, સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર રૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ પૃચ્છા કરી હતી. ઉપરાંત, ગુજરાતના મુખ્ય હાઇવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને રોડની તૂટી ગયેલી સપાટીના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં વિશે પણ જાણવા માગતા હતા. જેના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇ વે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં માહિતી આપી હતી. એનએચ-48ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેચ વિશે માહિતી આપતા, મંત્રીએ જણાવ્યું હતું કે, સિક્સ-લાનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મોડ પર જાળવણી હેઠળ છે. 16 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસનાં બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તદુપરાંત ,દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે જે માર્ચ-2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

બોકસ. .  .

રાજકોટ-જેતપુર સિક્સ લેનનું કામ જાન્યુઆરી 2027માં પૂર્ણ થશે

મંત્રી ગડકરીએએ પણ માહિતી આપી હતી કે એનએચ-27ના રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લાનિંગ કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાનાં બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.

બોકસ. . . .

ગુજરાત નેશનલ હાઇ વે પર ટોલ વસૂલાત અને ફાળવણી (કરોડમાં)

વર્ષ        ટોલ કલેક્શન                   વિકાસ અને જાણવણી માટે ફાળવણી

2020-21         3178.58          7533

2021-22         3744.36          10710

2022-23         4090.04          9831

2023-24         4394.82          10900

2024-25         4975.20          8262 

ઇ-પેપરના નવા શુલ્ક