• ગુરુવાર, 12 માર્ચ, 2026

પાકિસ્તાન સામેના વન ડેમાં બાંગલાદેશનો માત્ર 15.1 ઓવરમાં 8 વિકેટે વિજય

115 રનનો વિજય લક્ષ્યાંક 209 દડા બાકી રાખી સર કર્યો : નાહિદ રાણાની 5 વિકેટ

મિરપુર, તા.11: ટી-20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરનાર બાંગલાદેશનો પાકિસ્તાન સામેના પ્રથમ વન ડે મેચમાં ફકત 1પ.1 ઓવરમાં જ જોરદાર વિજય થયો હતો. આથી 3 મેચની શ્રેણીમાં બાંગલાદેશ ટીમ 1-0થી આગળ થઇ હતી. નાહિદ રાણા (પ વિકેટ)ની કાતિલ બોલિંગ સામે પાકિસ્તાની ટીમ 30.4 ઓવરમાં ફકત 114 રનમાં ઢેર થઇ ગઇ હતી. જવાબમાં બાંગલાદેશ ટીમે 209 દડા બાકી રાખીને 1પ.1 ઓવરમાં બે વિકેટે 11પ રન કરી ભવ્ય વિજય હાંસલ કર્યોં હતો.

ટોસ જીતી પ્રથમ દાવ લેનાર પાકિસ્તાનના એક સમયે 1 વિકેટે 47 રન હતા. આ પછી 67 રનમાં બાકીની 9 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સાહિબઝાદા ફરહાને  27 રન કર્યાં હતા. જયારે પૂંછડિયા ખેલાડી ફહીમ અશરફે 47 દડામાં 6 ચોક્કા-1 છક્કાથી 37 રન કરી પાક.નો સ્કોર 100 ઉપર પહોંચાડયો હતો. પાક. ઇલેવનમાં 4 ખેલાડએ ડેબ્યૂ કર્યું હતું. બાંગલાદેશ તરફથી નાહિદ રાણાએ 24 રનમાં પ અને કેપ્ટન મહેંદી હસન મિરાજે 29 રનમાં 3 વિકેટ લીધી હતી.

બાદમાં બાંગલાદેશ ટીમે 11પ રનનો મામૂલી વિજય લક્ષ્યાંક આક્રમક બેટિંગ કરીને 1પ.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી સર કરી લીધો હતો. તંજિદ હસન 42 દડામાં 7 ચોક્કા-પ છક્કાથી 67 રને નોટઆઉટ રહ્યો હતો. નજમૂલ શાંતો 27 રને આઉટ થયો હતો. પાક. કપ્તાન શાહિન અફ્રિદીને 1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક