12મા દિવસે વધુ ભડક્યું ઈરાન-અમેરિકા, ઈઝરાયલ યુદ્ધ : હોર્મુઝમાં જહાજ પરિવહન ઠપ
નવીદિલ્હી, તા.11 : ઈરાન અને અમેરિકા, ઈઝરાયલનું યુદ્ધ આજે 12મા દિવસે વધુ ભડકી ઉઠયું હતું. જેમાં મંગળવારની રાતે ઈરાનમાં કહેર વરસાવવાની અમેરિકાની ધમકી બાદ ઈરાને ઈઝરાયલમાં તેલ અવીવ સહિતનાં શહેરોમાં મિસાઇલોનો વરસાદ કરી નાખ્યો હતો. આ સીવાય ખાડી દેશોમાં પણ ઈરાને આજે અમેરિકાનાં હિતોને ધણધણાવતા મિસાઇલ અને ડ્રોનના મારા ચલાવી દીધા હતા. આજે બુધવારની બપોર પછી ઈઝરાયલમાં ફરી એકવાર ઈરાનમાંથી મિસાઇલો વછૂટી હોવાની જાણકારી મળતા સાયરન ગુંજી ઉઠયાં હતાં. જમીનની જેમ દરિયામાં પણ આ યુદ્ધની આગ ભડકી ઉઠી છે. દુનિયામાં 20 ટકા જેટલું ઓઇલ જ્યાંથી પસાર થાય છે તેવા સાંકડા સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોનું પરિવહન લગભગ ઠપ થઈ ગયું છે. અહીં આજે કુલ 3 માલવાહક જહાજ ઉપર હુમલા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ત્રણમાંથી બે જહાજ ગુજરાત આવવાનાં હતાં.
અમેરિકી દળોએ હોર્મુઝમાં વિસ્ફોટક ભરેલા 16 જેટલા નિક્રીય જહાજોને ઉડાવી નાખ્યાં હતાં તો ઈઝરાયલે પણ આજે ઈરાન અને લેબનોન ઉપર હુમલાની નવી લહેર ચલાવીને ભારે ખાનાખરાબી મચાવી દીધી હતી.
તહેરાનનો દાવો છે કે, ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં 10 હજાર જેટલા નાગરિકોનાં ઠેકાણાઓ ઉપર બોમ્બ માર્યા છે અને આ હુમલાઓમાં કુલ 1300થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે. ઈરાનમાં તહેરાનનું મેહરાબાદ એરપોર્ટ પણ મંગળવારની રાતે બોમ્બના નિશાનમાં આવ્યું હતું. તો ઈરાને પણ અખાતના દેશોમાં ઈઝરાયલ અને અમેરિકાનાં હિતોને ધણધણાવતા હુમલાઓ કરી નાખ્યા હતાં. ઈરાનનો દાવો છે કે, અમેરિકા અને ઈઝરાયલ જાણીજોઈને નાગરિકોનાં માળખા, ઘરો અને સ્વાસ્થ્ય સુવિધાઓને નિશાન બનાવી રહ્યા છે. તેહરાનમાં હુમલાની પ્રચંડ લહેરમાં રહેણાક ઈમારતોને પણ ભારે નુકસાન થયું હતું.
જવાબી કાર્યવાહીમાં ઈરાનની સેના આઇઆરજીસીએ પણ મિસાઈલ મારાની 37મી લહેરમાં સુપર હેવી ખોરામશહર મિસાઈલો દાગી હતી અને આ હુમલો આશરે ત્રણેક કલાક ચાલ્યો હતો. ઈરાને ઈઝરાયલમાં તેલઅવીવ, હાઈફા, પશ્ચિમ જેરુસલેમ ઉપરાંત ઈર્બિલ, ઈરાન, મનામા અને બહેરીનમાં અમેરિકાનાં સૈન્ય મથકોને પણ નિશાનમાં લીધાં હતાં.
ખાડી દેશોની સ્થિતિની વાત કરવામાં આવે તો સાઉદી અરેબિયાનાં સંરક્ષણ દળોએ ઈરાનનાં મિસાઈલ અને ડ્રોનને આંતરીને તોડી પાડયા હોવાનો દાવો કર્યો હતો. કતારના સંરક્ષણ મંત્રાલયે પણ ઈરાનનાં મિસાઈલ હુમલાની લહેરને વિફળ બનાવ્યાનો દાવો કર્યો હતો. જો કે દોહાએ બપોર બાદ ખતરાનું સ્તર વધતું જોતા નાગરિકોને ઘરની બહાર નહીં નીકળવાની તાકીદ કરી દીધી હતી. યુએઈએ 26 ડ્રોનને તોડી પાડયા હતા. જો કે 9 ડ્રોન તેની હદમાં ત્રાટક્યા હતા. તેનાથી કેટલું નુકસાન થયું હજી સુધી અસ્પષ્ટ છે. આ હુમલાઓને ધ્યાને રાખીને વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પૈકી રુવાઈસ ફેસિલિટીમાં સાવધાની રૂપે કામ અટકાવી દેવામાં આવ્યું હતું. કુવૈતમાં અમેરિકાના મથકને નિશાન બનાવીને ઈરાને બે મિસાઇલ દાગી હતી. દુબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 1 ભારતીય સહિત કેટલાક લોકો ઘવાયા હોવાનું પણ કહેવાય છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સ્થિતિની વાત કરવામાં આવે તો ત્યાં ત્રણ માલવાહક જહાજ ઉપર હુમલા થયા હતા. જેમાંથી બે ગુજરાત આવી રહ્યા હતા. થાઇલેન્ડનું મયુરી નારી જહાજ કંડલા બંદર આવવા નીકળ્યું હતું, જાપાનનું વન મેજેસ્ટી કંડલા ભણી જવાનું હતું અને અમેરિકાની કંપનીનું એક જહાજ સ્ટાર જીનેથ આ હુમલાઓમાં ભોગ બન્યું હતું. હોર્મુઝમાં જહાજો ઉપર હુમલા શરૂ થયા છે ત્યારે બીજીબાજુ ઈરાની સેનાએ હવે ખાડી દેશોમાં અમેરિકા અને ઈઝરાયલનાં બેન્કો સહિતનાં આર્થિક પ્રતિષ્ઠાનો ઉપર પણ ત્રાટકવાની ધમકી આપી હતી.
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકાના 140 જેટલા સૈનિકો ઘવાયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ઈરાનમાં એક શાળા ઉપર હુમલાનાં પ્રકરણની તપાસનાં મુદ્દે રાજકારણ પણ ગરમાયેલું છે. મધ્યપૂર્વમાંથી 43 હજાર જેટલા અમેરિકી નાગરિકોને ઉગારી લેવામાં આવ્યા છે. ઈરાન વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહી ઉપર નજર કરવામાં આવે તો હોર્મુઝમાં માઇન (વિસ્ફોટક) ભરેલા 16 નિક્રીય જહાજોને અમેરિકાએ ઉડાડી દીધાં હતાં. દરમિયાન અમેરિકાએ ઈઝરાયલને ઈરાનમાં ઓઇલ મથકો ઉપર હુમલા ટાળવાની ટકોર પણ કરી હતી.
લેબનોનમાં ઈઝરાયલના ચાલતાં આક્રમણમાં અત્યાર સુધીમાં 570 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. જેમાં આજે થયેલા હુમલાઓમાં મૃત્યુ પામેલા 19 લોકોનો સમાવેશ થાય છે. કમસેકમ સાતેક લાખ જેટલા લોકો ઈઝરાયલના આ હુમલાઓનાં કારણે વિસ્થાપિત થયા છે.