વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાન તરફ ફંટાવાથી ગુજરાત પરથી કમોસમી વરસાદની ઘાત ટળી
અમદાવાદ, તા. 23: ગુજરાતના માથેથી
માવઠાનું સંકટ ટળ્યું હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની
અસર રાજસ્થાન તરફ ફંટાવાથી ગુજરાત પરથી કમોસમી વરસાદની ઘાત ટળી છે. જોકે રાજ્યમાં વાદળછાયું
વાતાવરણ જોવા મળી શકે છે તેમજ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે,
ગુજરાતમાં હવે કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે. રાજ્યમાં કમોસમી વરસાદ નહીં પડે. વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે રાજસ્થાન તરફ રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી
રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી, ગુજરાતમાં
ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં નોંધાઈ રહેલા લઘુત્તમ
તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે, જેથી ઠંડીનો ચમકારો અનુભવાશે. 23 અને 24 જાન્યુઆરીએ ઠંડીનો
જોર વધુ વધશે. બે દિવસ દરમિયાન કાતિલ ઠંડીનો
અનુભવ થશે. 25 જાન્યુઆરીથી બેવડી ઋતુની અસર રહેશે. ઠંડી અને હળવી ગરમીનું મિશ્ર વાતાવરણ
જોવા મળશે, પરંતુ માવઠાનું જોખમ ટળી ગયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.