ભાદરવા
માસના આરંભે ગુજરાતમાં જામેલા વરસાદી વાતાવરણે ટાઢકની સાથે રાહત પણ આપી છે. જો કે ખેડૂતો
વધારે સારા વરસાદની આશા રાખી રહ્યા છે. પીવાના પાણીની પણ ચિંતા છે પરંતુ સપ્ટેમ્બરના
પ્રથમ સપ્તાહે જે સ્થિતિ હતી તેની સરખામણીમાં હવે સ્થિતિ સારી કહી શકાય. સૌરાષ્ટ્રમાં
હજી વરસાદની ઘટ છે છતાં ખેતરમાં ઊભેલા પાક માટે આ વરસાદ સંજીવની સાબિત થયો છે.વરતારા
સાચા પડયા છે, 12મી સપ્ટેમ્બરથી જ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. નવરાત્રી સુધી વરસાદ
પડે તેવી શક્યતા છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ થયા પછી આકાશ જાણે રીસાયું હોય તેવી સ્થિતિ
હતી. નિષ્ણાતોએ કહ્યું હતું આ અલનિનોની અસર છે.
એક તરફ
નેપાળની કાળમુખી તબાહીના દૃશ્યો હતા અને બીજી બાજુ સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકો વરસાદની
પ્રતીક્ષા કરી રહ્યા હતા. પીવાના પાણીનું સંકટ ઊભું થશે તેવી ખાતરી થઈ ગઈ હતી. ખેડૂતો
પણ મુંઝવણમાં મુકાયા હતા, રાજ્ય સરકાર બેઠકો યોજી રહી હતી અને માસાંતે રાજ્યમાં ક્યાં
દુષ્કાળ જાહેર કરવો તેની વિચારણા ચાલુ હતી ત્યાં જ મેઘરાજા પધાર્યા છે. ભાવનગર, રાજકોટ,
જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો છે. અપૂરતા વરસાદને
લીધે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા તુવેર જેવા પાક સૂકાઈ રહ્યા હતા, બે દિવસથી વરસી
રહેલા વરસાદે ખેતીને સંજીવની પૂરી પાડી છે. જો આ વરસાદ થયો ન હોત તો પાક નિષ્ફળ જાત.
વાવણી
પછી સમયસર વરસાદ ન થયો તેથી કૂવા-બોરમાંથી પાણી ખેડૂતોએ લઈ લીધાં, ડેમમાં પાણી પર્યાપ્ત
નથી. ચિંતા તો હતી. હવે રાહતના અણસાર છે. હજી વરસાદની જરૂર તો છે. જો આ માસના અંત સુધી
વરસાદ પડે તો ચોમાસું પાક તો સારો ઉતરે સાથે રવિપાકને પણ લાભ થઈ શકે. જો કે સૌરાષ્ટ્રમાં
સરેરાશ વરસાદની તો ઘટ છે જ. અમદાવાદ- વડોદરામાં વરસાદ પડયો છે તેવો ધોધમાર વરસાદ પડયો
નથી. હજી જરૂર છે. વિસાવદરમાં થયો તેવો વરસાદ અન્યત્ર થાય તેની પ્રતીક્ષા છે. જે વાતાવરણ
જામ્યું છે તે જોતાં હજી વરસાદ વરસશે. ડેમમાં હજી પર્યાપ્ત જળજથ્થો નથી પરંતુ આ વરસાદને
લીધે તળ સાજાં થઈ ગયાં છે.
પીવાના
પાણી માટે તો સૌની યોજના ઉપર રાજકોટ જેવા મહાનગરો પણ આધાર રાખી રહ્યાં છે, મુખ્ય પ્રશ્ન
ખેતીનો છે. અગાઉના અનુભવ એવા છે કે સપ્ટેમ્બર - ભાદરવા માસમાં વરસાદ વરસ્યો છે, ડેમો
છલકાયા છે. આ વરસાદ સંજીવની સાબિત થયો છે, હવે સમસ્યાનો ઉકેલ પણ આવશે તેવી આશાને પણ
પાકની જેમ જીવતદાન મળ્યું છે.