ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો માટે છેલ્લો કેટલોક કાળખંડ મુશ્કેલ રહ્યો છે. છેલ્લે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વ્હાઈટ હાઉસમાં મળ્યા ત્યારે બન્ને પક્ષોએ ટેરિફ ઘટાડા તથા દ્વિ-પક્ષીય વેપારને પાંચસો બિલિયન ડૉલર સુધી લઈ જાય એવી ટ્રેડ ડીલ વિશે ચર્ચા કરી હતી. જોકે, એ પછીના મહિનાઓમાં બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યા હતા, એમાં અમેરિકાએ ટેરિફમાં કરેલો તાતિંગ વધારો અને અૉપરેશન સિંદૂર વખતે ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનું શ્રેય લેનારા ટ્રમ્પની વર્તણૂક જવાબદાર હતી. પણ હાલમાં જ ફ્રાન્સ ખાતેની જી-7 સમિટમાં ટ્રમ્પ ઉષ્માભેર મોદીને મળ્યા અને તેમના વિશે હી ઈઝ અ ટફ ટ્રેડર તથા અન્ય સ્તુતિ વચનો કહ્યા એ સકારાત્મક છે. જોકે, એનાથી પણ મહત્ત્વની બાબત એ કે અમેરિકન હુમલામાં માર્યા ગયેલા ત્રણ ભારતીય ખલાસીઓના મુદ્દે ભારતે કરેલી નક્કર રજૂઆતની નોંધ ટ્રમ્પે લેવી પડી એ છે.વેપાર અને ટેરિફ મુદ્દો વડા પ્રધાને આગળ નહોતો કર્યો છતાં ટ્રમ્પે કહ્યું કે, બંને રાષ્ટ્રો ટ્રેડ ડીલની બહુ નજીક છે.વળી, ભારત પર કોઈ હુમલો કરશે તો અમેરિકા મદદ માટે દોડી આવશે, એવું વચન પણ ટ્રમ્પે સામે ચાલીને આપ્યું છે, પણ કાલે ઊઠીને પાકિસ્તાન કે ચીન ભારતને છંછેડે તો અમેરિકા ખરેખર કુમકે આવશે? એ પ્રશ્ન છે.અભી બોલા અભી ફોક ટ્રમ્પનો સ્થાયી સ્વભાવ છે અને તેમની કથની અને કરણીનો ભેદ આખા વિશ્વ સામે છે. આમ છતાં, ફ્રાન્સનો ઘટનાક્રમ ભારતનું કદ વધારનારો અને યુદ્ધને કારણે આવી પડેલી આર્થિક વિકટતા વચ્ચે ધરપત આપનારો તો ખરો જ.
જી-7ના
સાથી રાષ્ટ્રોના પ્રમુખો સાથેના વડા પ્રધાન મોદીના સૌહાર્દભર્યા સંબંધો છે એ વિશે કોઈ
શંકા નથી. પણ ટ્રમ્પ સાથેની બેઠકમાં તેમણે યુદ્ધ દરમિયાન અમેરિકન હુમલામાં માર્યા ગયેલા
ભારતીય ખલાસીઓના મુદ્દાને દૃઢતાપૂર્વક મૂક્યો અને ટ્રમ્પને તેની નોંધ લેવાની ફરજ પાડી.
ખલાસીઓનાં જીવ અને માલ-સામાન તથા ઈંધણ લઈને જતાં જહાજોની સલામતી જેવા મુદ્દા પ્રત્યે
પણ વિશ્વ સમુદાયનું ધ્યાન દોર્યું. આ સાથે જ યુદ્ધને કારણે ગ્લૉબલ સાઉથ તરીકે ઓળખાતા
એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકન દેશોનાં ઈંધણ, ખાતર અને અનાજના પુરવઠા પર થયેલી
વિપરીત અસર તથા અન્ય નુકસાનની ભરપાઈ માટે જી-7 દેશોએ આગળ આવવું જોઈએ એવી રજૂઆત તેમણે
આ સમિટના એક મંચ પરથી કરી. યાદ રહે, ભારત આ સંગઠનનો સભ્ય દેશ નથી અને છતાં જે મહત્ત્વ
ભારતને મળ્યું છે એ આપણી પહોંચનો પુરાવો છે. ટ્રમ્પની પ્રશંસા કે શબ્દો કરતાં ભારતની
દૃઢતાના દર્શન વધુ એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર થયા એનું મહત્ત્વ વધુ છે.