ફિફા વિશ્વકપના પ્રારંભ સાથે જ દુનિયામાં ફૂટબોલનો જબ્બર ક્રેઝ શરૂ થઇ ચૂક્યો છે. આ વખતે અમેરિકા, મેક્સિકો અને કેનેડા એમ ત્રણ દેશનાં સહઆયોજન ઉપરાંત બીજી કેટલીક વિશેષતાને લીધે ફૂટબોલ વિશ્વકપ અનોખો પુરવાર થશે... સ્પર્ધાના ઇતિહાસમાં પ્રથમવાર 32ને બદલે 48 ટીમ ભાગ લઇ રહી છે. સૌથી વધુ 104 મેચ રમાશે અને વિશ્વકપ 39 દિવસ ચાલશે. ટીમોને 12 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેકમાં 4-4 ટીમ : આ ગ્રુપ મેચો પછી રાઉન્ડ ઓફ 16 નહીં, પરંતુ નવો નોકઆઉટ તબક્કો રાઉન્ડ ઓફ 32 ઉમેરવામાં આવ્યો છે. તેને લીધે અનિશ્ચિતતા અને ઉત્તેજના વધી ગઇ છે. બુધવારે સવારે તો મેસીએ ફટકારેલી ગોલની હેટ્રીકથી રમતોત્સવનો રંગ બદલાઈ ગયો છે.
વર્તમાન
વિશ્વકપ વિજેતા આર્જેન્ટિના છે. લિયોનેલ મેસ્સી પછીના યુગની ચર્ચા વચ્ચે પ્રશ્ન એ છે
કે, આર્જેન્ટિના 1962માં બ્રાઝિલ પછી લગાતાર બે વિશ્વકપ જીતનાર દેશ બની શકશે ? આ પ્રશ્નનો
જવાબ મળશે એ પહેલાં તીવ્ર હરીફાઇ જોવા મળશે. ફૂટબોલને રમતનો રાજા શા માટે કહેવાય છે
એ શરૂઆતની કેટલીક મેચોમાં જ જોવા મળ્યું. પોતાની ટીમ જીતે તો તેની ઉત્તેજક ઉજવણીમાં
અથવા તો પરાજિત થઇ હોય તો ગુસ્સામાં સોકરપ્રેમીઓ હિંસક તોફાનો પર ઊતરી આવે છે, જે દર્શાવે
છે કે, ફૂટબોલ એક રમતથી આગળ વધીને ઝનૂન તરીકે તેના ચાહકોના શરીરની નસોમાં વહી રહ્યો
છે. આ માત્ર પાવરગેમ જ નહીં, લાગણીઓનોય ઉત્સવ બની રહ્યો છે. 90 મિનિટની મેચમાં માનસિક
દૃઢતા, શારીરિક ચુસ્તી સાથે ચપળતા અને રણનૈતિક કૌશલ્યની પણ કસોટી થાય છે.
ફૂટબોલ
ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને ભૌગોલિક સરહદો મિટાવીને સમગ્ર વિશ્વને એકસૂત્રથી બાંધે છે.
આ વખતના વિશ્વકપમાં ચાર દેશ કેપ વર્ડે, કુરાસાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન પહેલીવાર ભાગ
લઇ રહ્યા છે. કોઇ પણ રમતની વર્લ્ડકપ સ્પર્ધા શાનદાર પ્રદર્શનનું પ્લેટફોર્મ બની રહે
છે. ભારતીયો ક્રિકેટ પાછળ પાગલ છે, પરંતુ દુનિયામાં સૌથી વધુ રમાતી ગેમ ફૂટબોલ છે.
તેના સુપર સ્ટાર ખેલાડીઓની કમાણી કોઇ નાના દેશનાં બજેટથી વધી જતી હોય છે.
આ વખતનો
વિશ્વકપ ઇરાન સામે અમેરિકા-ઇઝરાયલના અને યુક્રેન-રૂસ યુદ્ધના માહોલમાં રમાઇ રહ્યો છે.
જે-તે દેશના રાજદ્વારી મોરચે તનાવ રહેવાનો, પરંતુ આયોજનની અગત્યતા અને વિશાળતામાં બધુ સાંગોપાંગ પાર પડશે એવી ધારણા રાખી
શકાય... ફૂટબોલ વિશ્વકપ કે ઓલિમ્પિક જેવી સ્પર્ધા આયોજક રાષ્ટ્રની ક્ષમતાની કસોટી કરે
છે. આ આયોજનમાંથી ફિફા 76 હજાર કરોડ રૂપિયા (8.9 અબજ ડોલર)થી વધુની કમાણી કરે એવી ધારણા
છે.
છેલ્લે
એક રસપ્રદ વાત. ઇરાનની ટીમ અમેરિકાની ધરતી પર મેચ રમશે. ઇરાનને વિઝા મળવામાં વિવાદ
થયો હતો. ઇરાની ખેલાડીઓ મેક્સિકો પહોંચ્યા ત્યારે તેમણે એ પ્રતીક ચિહ્ન પહેર્યું હતું
જે મિનાબની ગર્લ્સ સ્કૂલ પર અમેરિકાએ દાગેલી મિસાઇલથી 138 નાની બાળકી શહીદ થઇ હતી તે
ઘટનાને લગતું હતું.
આશા
રાખીએ કે આ વખતનો વિશ્વકપ વૈશ્વિક ભાઇચારો અને ખેલદિલીની ભાવના વધારવામાં નિમિત્ત બનશે.