ઇરાન સાથેનો અમેરિકા-ઇઝરાયલ સંઘર્ષ હાલમાં બંને પક્ષના હાકલા-પડકારા વચ્ચે શાંત થયો છે, પરંતુ અત્યાર સુધી હોર્મુઝ કટોકટીનો ઉકેલ ન આવતાં ઇંધણનો પ્રશ્ન ગંભીર બન્યો છે. દેશમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ગભરાવાની કોઇ જરૂર નથી એવો સરકારી સધિયારો બેઅસર પુરવાર થયો છે. પેટ્રોલનું થોડા દિવસ કરકસરથી વિતરણ કરાયું અને ડીઝલ મેળવવામાં પડાપડી છે. હવે જોકે, ઈરાને આવનારા દિવસોમાં હોર્મુઝ પૂર્વવત થવાની આશા દેખાડી છે પણ એ જળમાર્ગ જયાં સુધી ખૂલે નહીં ત્યાં સુધી દુનિયાની હાલત કફોડી જ રહેવાની છે. ડીઝલ સંકટ સૌરાષ્ટ્ર-કચ્છ કે ગુજરાત જ નહીં દેશભરમાં અનુભવાઇ રહ્યું છે. મહારાષ્ટ્રના અમુક ભાગોમાં ડીઝલ વિના ખેતીકામ મુશ્કેલ બનતાં ખેડૂતોએ ધરણાં આદર્યાં છે. પેટ્રોલપંપો પર મારપીટ અને માથાકૂટ રોજિંદી ઘટના બની ગઇ?છે. દિવસ-રાત લાંબી કતાર લાગે છે. કોમર્શિયલ વાહનોથી લઇને ખાનગી વાહનચાલકો લાચાર બન્યા છે. કચ્છના પરિવહનકારોએ તો ઇંધણ કટોકટી હળવી નહીં બને તો પહેલી જૂનથી ચક્કાજામની ચીમકી આપી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના
માર્ગો પરથી નીકળતાં વાહનોનાં પૈડાં થંભી જાય તો એ ન માત્ર ગુજરાત બલ્કે આખા દેશ માટે
પુરવઠો ખોરવી નાખતી ગંભીર ઘટના બની રહેશે. પરિવહન ઉદ્યોગકારોનું કહેવું છે કે, ડીઝલ
ન મળવાને લીધે પોર્ટની કામગીરીને અસર થઇ છે. એટલું જ નહીં, આયાત-નિકાસ કામગીરી ખોરવાઇ
છે અને માઇનિંગ પણ પ્રભાવિત થયું છે. શિપિંગ ઉદ્યોગકારોએ કચ્છની વિશિષ્ટ પરિસ્થિતિને
ધ્યાને લઇને રાહત આપવાનીય માગણી કરી છે. દરમ્યાન, કચ્છના ઉદ્યોગકારોનાં સંગઠન ફેડરેશન
ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકિયા)એ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ડીઝલ
અછતની સમસ્યા વકરતાં વિવિધ ક્ષેત્રમાં પ્રતિકૂળ અસર પડતી હોવાનું જણાવીને તેમાં હસ્તક્ષેપ
કરવાની માગણી કરી છે. કચ્છ આજે ભારતનું સૌથી મહત્ત્વનું ઉત્પાદન લોજિસ્ટિક અને આયાત-નિકાસ
કેન્દ્ર તરીકે ઊભર્યું છે. કંડલા અને મુંદરા એમ બબ્બે મહાબંદર છે. સમગ્ર દેશની 35 ટકા
આયાત-નિકાસ કચ્છથી થાય છે. આ જરૂરિયાત અને અગત્યતાની નજરે કચ્છને ડીઝલનો વિશેષ જથ્થો
ફાળવવો જોઇએ. ઇંધણની મુશ્કેલી આજે દેશ આખાની તસવીર છે. તેથી વિરુદ્ધ કેન્દ્રીય પેટ્રોલિયમ
મંત્રી હરદીપપુરીના દાવા મુજબ દેશમાં ક્રૂડતેલ, પ્રાકૃતિક ગેસ, રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલની
કોઇ અછત જ નથી. આ વિરોધાભાસ લોકોને સમજાતો નથી.
આમ
આદમી અને ગ્રાહકો મોંઘાભાવે ઇંધણ-ગેસ ખરીદે છે અને સરકાર આ વિશે મૌન રહી છે. પેટ્રોલિયમ
મંત્રી આજે રોદડાં રૂએ છે કે, ક્રૂડના ભાવ વધી જતાં પેટ્રોલિયમ કંપનીઓને રોજનું રૂા.
750 કરોડનું નુકસાન થઇ રહ્યું છે. જો પેટ્રો પદાર્થ પ્રતિલિટર 17-18 રૂપિયા વધારવામાં
આવે તો જ તેલ કંપનીઓને નફો શરૂ થઇ શકે. અહીં પ્રશ્ન એ છે કે, આખરે આ નફો કોના માટે
છે ? જ્યારે કાચું તેલ 70-72 ડોલર પ્રતિબેરલ મળતું હતું ત્યારે તેલ કંપનીઓએ ઇંધણના
છૂટક ભાવ કેમ ઘટાડયા નહોતા ? આ મુદ્દા પર ધ્યાન અપાવું જોઇએ. ઇરાન યુદ્ધને લીધે સર્જાયેલી
સ્થિતિમાં નજીકનાં ભવિષ્યમાં રાહત મળવાની સંભાવના ઓછી છે. યુદ્ધ પૂરું થઇ જાય તોય સ્થિતિ
પૂર્વવત્ બનતાં છ મહિનાથી એક વર્ષનો સમય લાગી શકે છે. અખાતમાં તેલ રિફાઇનરીઓને મોટું
નુકસાન થયું છે એ રખે ભુલાતું. એ દરમ્યાન ભારત સરકારે ઇંધણ ઉપલબ્ધિની સુચારુ વ્યવસ્થા
ગોઠવવી જરૂરી છે.