ટેરિફનું ભૂત ધુણવાનું ઝટ અટકે એવું લાગતું નથી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે 6-3ની બહુમતિથી ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના વિવિધ દેશો પર આડેધડ અને બેફામ લાદેલા ટેરિફને ગેરકાયદે ઠરાવ્યો, પણ ટ્રમ્પે આખા વિશ્વ પર પંદર ટકા ટેરિફ ઝીંકી દીધો છે. ટ્રમ્પે ધારણા પ્રમાણે ધાર્યું જ કર્યું છે અને અદાલતી આદેશને લાંછનસ્પદ ગણાવતી પહેલી પ્રતિક્રિયા આપ્યા બાદ કહ્યું કે, કશું જ બદલાયું નથી, ટેરિફ તો આપવો જ પડશે. યુએસ સુપ્રીમ કોર્ટના આદેશની અસર શું થશે એનો કયાસ કાઢી શકાય એ પૂર્વે ચર્ચા શરૂ થઈ કે, અત્યાર સુધી ટેરિફ દ્વારા એકત્ર કરાયેલા 175 બિલિયન ડોલર રિફન્ડ કરવાની પ્રક્રિયા શરૂ થશે તો એમાંથી પાર ઉતરવામાં પાંચ વર્ષ લાગશે- સમસ્યા કરતાં ઉપાય જાલિમ છે. તો શું ટ્રમ્પની દાદાગીરી ઓછી થશે? અમેરિકાના પ્રમુખનો અત્યાર સુધીનો ટ્રેક રેકર્ડ કહે છે કે, ટ્રમ્પ શું કરશે એનો અંદાજ કદાચ ટ્રમ્પને ખુદને પણ નહીં હોય.
અમેરિકાની
સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં ટાંક્યું છે કે, તાતિંગ ટેરિફ ફટકારવા માટે ટ્રમ્પ
વહીવટે આપેલું યુદ્ધ જેવી કટોકટીનું કારણ વાજબી નથી. પોતાના ઇશારે નાચે એવું ન્યાયતંત્ર
ઇચ્છતા ટ્રમ્પે નીમેલા એક જજે આ કેસની સુનાવણીમાં સવાલ પૂછ્યો છે કે- ફ્રાન્સ અને સ્પેન
અમેરિકાના સંરક્ષણ અને ઔદ્યોગિક આધાર સામે જોખમ ઊભું કરે છે? સર્વોચ્ચ અદાલતના વધુ
એક ન્યાયમૂર્તિએ પૂછ્યું હતું કે, શું અમેરિકા વિશ્વના દરેક દેશ સામે યુદ્ધમાં છે?
જવાબ આપવાની તમા ટ્રમ્પને નથી, કેમ કે તેમને તો એવું જ લાગે છે કે, દુનિયાના બધા દેશો
અમેરિકા પાસેથી ખાટી જાય છે અને વિશ્વનો નંબર વન દેશ બધે મુંડાય છે. ટ્રમ્પે અડધી સદી
પૂર્વેના ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર ઍક્ટનો આશરો લઈ પોતાના કાર્યકાળના પહેલા
એક વર્ષમાં બધાને ત્રાહિમામ પોકારાવી દીધા. આ બધામાં ટ્રમ્પના મતે દુનિયાનો સમાવેશ
થાય છે, પણ એમાં અમેરિકાના સ્થાનિક વેપાર-ધંધાનો ખંગ વળી ગયો છે અને નાગરિકોને મોંઘવારીનો
સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ ટેરિફ લાદવા માટે કોઈક બીજો જૂનો કાયદો કે રસ્તો શોધી
કાઢશે, કેમ કે તેમની હિટલર જેવી માનસિકતા દૃઢપણે કહે છે કે, અમેરિકા જેવું મહાન કોઈ
નહોતું અને તેને ફરી મહાન બનાવવું એ આપણી પવિત્ર ફરજ છે.
સારી
વાત એ છે કે, આ વર્ષે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે અને અન્ય કોઈ કાયદા હેઠળ
ટ્રમ્પ પાસે અત્યારે છે એવી અમર્યાદ સત્તા નહીં હોય. અમેરિકન સંસદના ઉપલા ગૃહ કોંગ્રેસની
ચૂંટણીઓમાં આમ પણ ટ્રમ્પ માટે કપરાં ચઢાણ છે અને ટેરિફ રિફન્ડ કરવાની આવી તો તેમની
હાલત ઓર કફોડી થશે. ભારતે લાંબી વાટાઘાટો બાદ ટ્રેડ ડીલ મેળવી છે, પણ હવે ટ્રમ્પ અદાલતી
આદેશ પછી ફરી વિફરશે તો બધું ધોવાઈ જતાં વાર નહીં લાગે. અદાલતની આ લપડાકને ટ્રમ્પ કઈ
રીતે લેશે એનો અંદાજ તો આવી જ ગયો છે. ટ્રમ્પને જે આવડે છે એ જ તેઓ કરતા રહેશે, એ પણ
નક્કી જ છે.