છેલ્લા
એક દાયકામાં સ્વચ્છતા કેન્દ્ર સરકાર માટે અગ્રતા રહી. હવે સ્વસ્થતા માટે વધારે ગંભીરતાથી
વિચાર થઈ રહ્યો છે. આયુષ્માન ભારત જેવી મહત્ત્વની યોજનાનો અમલ થયો, મિલેટ્સ એટલે કે
જાડા ધાનનું મહત્ત્વ વિશ્વને ભારતે સમજાવ્યું જેમાં વડાપ્રધાને અંગત રસ લીધો. હવે મેદસ્વિતાની
સમસ્યાના નિરાકરણ માટે સરકાર દેશની જનતાને જગાડીને આગળ વધી રહી છે. આ જાગૃતિ ઝુંબેશ
તો થોડા સમય પૂર્વે શરૂ થઈ ગઈ છે. મોરચો જંકફૂડ તરફ વળ્યો છે. તળેલા કે ગળ્યા ખાદ્ય
પદાર્થ ધૂમ્રપાન કે અન્ય વ્યસન જેટલા જોખમી છે તેવું જનતાને જણાવવામાં આવશે. કેન્દ્ર
સરકાર નજીકના ભવિષ્યમાં આ અભિયાન શરૂ કરશે.
તાજેતરના
અહેવાલ એવું કહે છે કે મેદસ્વિતાના પ્રમાણમાં થઈ રહેલી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે
કેન્દ્ર સરકાર વિવિધ પગલાં લઈ રહી છે તેમાંનું આ એક પગલું છે. હવે સમોસા, જલેબી જેવી
નાસ્તાની વસ્તુ વેચનારે પણ ગ્રાહકને એવું જણાવવાનું રહેશે કે ‘તમે આ ખોરાકની સાથે ચરબી
અને શર્કરા પણ લઈ રહ્યા છો, જે તમારા આરોગ્ય માટે નુકસાન નોતરી શકે છે.’ શાળાઓમાં સુગરબોર્ડ
લગાવવાનું શરૂ થયું છે. જનહિત માટે આ પગલું જરાય ખોટું નથી.
જો
કે ખાદ્ય વસ્તુ કે તેના પેકેટ ઉપર ચેતવણીના
સ્ટીકર લગાવવાનો કોઈ આદેશ નથી. હોટેલ-રેસ્ટોરન્ટ્સ ઉપર બોર્ડ લગાવવાના રહેશે.
સરકારનો ઉદ્દેશ લોકોને આવા ખોરાકથી થતા નુકસાન માટે જાગૃત કરવાનો છે. સોમવારે ફેલાયેલા આ સમાચારોમાં તથ્યભેદ હતો તેવું
આજે જાહેર થયું છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારતીય વ્યંજનોને લક્ષ્ય બનાવવાની વાત
ખોટી છે. અમે કોઈ ‘એડવાઈઝરી’ જાહેર નથી કરી,
એક નિસબત દર્શાવી છે કે લોકો પૌષ્ટિક ખોરાક લે, વધારે પડતા તળેલા અને ગળ્યા ખોરાકના
સેવનની આડ અસરથી બચે અને સ્વસ્થ રહે. અમે ઈચ્છીએ છીએ લોકોનું સ્વાસ્થ્ય જળવાય.દરમિયાન
સુપ્રીમ કોર્ટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળને આદેશ આપતાં કહ્યું છે કે
‘ખાદ્યવસ્તુના પેકેટ્સ ઉપર પોષક તત્વોની જાણકારી હોવી જરુરી છે.’ સરકાર અને સર્વોચ્ચ અદાલતની સ્વાસ્થ્ય માટેની નિસબત
પ્રશંસનીય છે. કોઈ કહે કે ન કહે, તળેલી વાનગી, ફાસ્ટફૂડના ઉપયોગમાં નિયંત્રણ હોવું
જરુરી છે. હૃદયરોગ અને તેનાથી થતા મૃત્યુ માટે જે કારણો છે તે પૈકી એક કારણ આવો ખોરાક
છે. સ્થૂળતા, ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર જેવી બીમારીના કારણમાં આહારની આદતો
પણ ભઆગ ભજવે છે.
જ્યાં
સુધી બોર્ડની વાત છે ત્યાં સુધી સ્થાનિક રેસ્ટોરન્ટ્સ, હોટેલ માટે આ ફરજિયાત બનાવવાનું
અઘરું નથી. પાનની દુકાને જેમ તમાકુ માટેના બોર્ડ છે તેમ હોટેલમાં આવા બોર્ડ લગાવી શકાય
પરંતુ આવી વસ્તુઓ તો રેલવે સ્ટેશન ઉપર, ટ્રેન કે બસમાં શાળાઓ પાસે ફેરિયાઓ પણ વેચે
છે, અહીં સ્વજાગૃતિ, સ્વયંશિસ્ત અગત્યની છે. તળેલું કે ગળ્યું વધારે પ્રમાણમાં ખાવાથી
આરોગ્યને નુકસાન થાય છે તે લોકોને ખ્યાલ છે જ છતાં આવા પદાર્થનું વેચાણ થાય છે. ખોરાકની
જાગૃતિ માટેના બોર્ડ લાગે, વેપારીને આ જાગૃતિ ઝુંબેશમાં જોડવામાં આવે તે સારી વાત છે
પરંતુ બોર્ડ ન હોય તો પણ આપણને આપણા સ્વાસ્થ્ય માટે અન્ય કોઈ જગાડે તેવી અપેક્ષા શા
માટે રાખવી ? જંકફૂડની આડ અસર સંદર્ભે તો જાગ્યા ત્યારથી સવાર...