• શનિવાર, 19 જુલાઈ, 2025

આ મક્કમતા આવશ્યક હતી

ચોમાસામાં ગુજરાતના રસ્તાઓ, પુલની અવદશાના સતત અહેવાલોની અસર આખરે સરકાર સુધી પહોંચી છે. પ્રતિવર્ષ આ સ્થિતિ હોય છે. આ વર્ષે ગંભીરા પુલ અકસ્માતને લીધે વધારે ચર્ચા થઈ. શહેરની અંદર તૂટેલા રસ્તા નવી નવાઈની વાત નથી પરંતુ હાઈ-વેના વર્ષોથી ચાલતા કામ, ત્યાં થતા ટ્રાફિકજામ અને લોકોને પડતી હાલાકીનો માધ્યમો, સોશિયલ મીડિયા ઉપર આ વર્ષે અત્યંત પ્રસાર થયો. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સુધી તમામ વાત સ્પષ્ટ રીતે પહોંચી. છેલ્લા એક સપ્તાહ કરતાં વધારે સમયથી મુખ્યમંત્રી પોતે સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. પ્રશાસનને હવે તેઓ સણસણતા સવાલ પૂછે છે. આશા છે, સ્થિતિ સુધરશે.

‘મૃદુ અને મક્કમ’ જેવા વિશેષણ જેમને અપાયા છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના રસ્તા-પુલ સંદર્ભે મક્કમતા દાખવવાનું શરૂ કર્યું છે. જે સ્થિતિ ચોમાસામાં આ વર્ષે થઈ તે જોતાં આ વલણ અત્યંત આવશ્યક હતું. ગુજરાતના મોટા શહેરોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે થાય છે. નાના નગરો, ગ્રામ્યવિસ્તારમાં ગંદકીનો - બીમારીની સમસ્યા કાયમી છે. રસ્તા તૂટવાનું પણ કાયમનું છે પરંતુ આ વર્ષે ઋતુની શરૂઆત જ લોકો માટે આકરી થઈ હતી. સુરતમાં પાણી એટલું ભરાયું કે દુકાનોમાં ઘૂસ્યું. વેપારીઓને નુકસાન થયું. પછી જ્યાં જ્યાં વરસાદ પડયો ત્યાં રસ્તા તૂટયા, પાણી ભરાયાં, નવા બનેલા રસ્તા પણ તૂટયા. થોડા દિવસો પૂર્વે વડોદારા પાસે ગંભીરા પુલ તૂટયો. સર્વત્ર તેની ચર્ચા થઈ. રાજકોટથી અમદાવાદ વચ્ચે અને બીજી તરફ જૂનાગઢ - જેતપુર વચ્ચે હાઈવેનું કામ ચાલુ છે તેમાં થતો વિલંબ પણ ફરી ચર્ચામાં આવ્યો. આ સ્થિતિ પારખીને, સોશિયલ મીડિયા ઉપર પ્રજાનો રોષ જોઈને આખરે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં શરૂ કર્યાં. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આ મુદ્દે ગંભીર વલણ દાખવ્યું. મુખ્યમંત્રીએ જવાબદારોને સીધો સવાલ કર્યો કે આટલા બધા પુલ ઉપર એકસાથે પરિવહન બંધ કરવું પડયું તેનું કારણ શું? સરકારે નાના મોટા 1800 પુલની ચકાસણી કરી, રાજ્યમાં 20 પુલ સંપૂર્ણ અને 113 પુલ ભારે વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયા. ગુજ માર્ગ એપ નામે સુવિધા શરૂ કરીને લોકોને ફરિયાદ સરળ બનાવી. રાજ્યમાં કોન્ટ્રાક્ટર્સને નોટિસો ફટકારવાની કાર્યવાહી આરંભાઈ. શહેરની અંદર પણ ભૂવા પડવા, રસ્તા તૂટવા, અકસ્માત થવા એ બધું જ રોજિંદું બન્યું.

ગત સપ્તાહે જ મુખ્યમંત્રી તરફથી આદેશ થયો કે રસ્તા, ‘પુલો સંદર્ભે જવાબદારી નક્કી કરો.’ લોકો સતત ચર્ચી રહ્યા છે કે આ બધું બહુ અગાઉ થઈ જવું જોઈતું હતું. જો કે એવી વાતનો કોઈ અર્થ નથી. રસ્તા તૂટયા, પુલ જર્જરિત છે તે અંગે આ ગંભીરતા દાખવવામાં આવી રહી છે તે જરૂરી છે. સ્થિતિ જે રીતે વણસે છે તે જોતાં આ જરૂરી હતું. હવે એક તો સૌનું ઉત્તરદાયિત્વ નક્કી થાય, કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ તૂટે-છૂટે. જો કોઈ રાજકીય વ્યક્તિઓ પણ તેમાં સંડોવાયેલી હોય તો તેમને પણ બક્ષવામાં ન આવે તે જરૂરી છે. જે આ વર્ષે થયું તે વર્ષોવર્ષ ન થાય, રસ્તા બનાવવાની ટેક્નિક સુધારવા-નવી લાવવા સંદર્ભે પણ વિચાર અને અમલ થાય તે જરૂરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક