• સોમવાર, 16 નવેમ્બર, 2026

અમદાવાદમાં રહેણાકના ભોંયરામાંથી ડ્રગ્સ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપાઈ

એમડી ડ્રગ્સ બનાવવા માટેનો કરોડો રૂપિયાનો કાચો માલ જપ્ત : આરોપીની માલિકીની એક કોફી શોપ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 15: અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર લગામ કસવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા મોહમ્મદી પાર્ક નજીક એક સામાન્ય રહેણાક મકાનની અંદર ગુપ્ત રીતે ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન મકાનના ભોંયરામાં ધમધમતી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. એજન્સીએ ઘટનાસ્થળેથી એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે વપરાતો કરોડો રૂપિયાની કિંમતનો કાચો માલ જપ્ત કર્યો છે. રહેણાંક વિસ્તારના એક સામાન્ય ઘરની નીચે ભોંયરામાં આ પ્રકારનું ગેરકાયદેસર નેટવર્ક ચાલતું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે, તેમજ શહેરમાં ચાલતા ડ્રગ્સના ઉત્પાદન નેટવર્ક સામે સુરક્ષા એજન્સીઓ પણ વધુ સતર્ક બની છે.

 માહિતી અનુસાર આરોપી મુદ્દસર પઠાણ (એમ.એમ.પઠાણ)ના મકાનમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતો હતો. આરોપી અગાઉ ડ્રગ એડિક્ટેડ હતો. જે બાદમા પેડલર બન્યો અને થોડા સમય અગાઉ જ ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે, પહેલી ડિલિવરી પહેલા જ ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી

આ સમગ્ર પ્રકરણમાં એનસીબી દ્વારા આરોપી મકાન માલિકની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર કારોબારમાં મકાન માલિકની શું ભૂમિકા હતી અને અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરાઈ છે. તપાસના ભાગરૂપે અધિકારીઓ દ્વારા આરોપીની માલિકીની એક કોફી શોપ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરીને મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ભોંયરામાં ચાલતી આ ડ્રગ્સ ફેક્ટરી અને કોફી શોપ વચ્ચે કોઈ સીધું કનેક્શન છે કે કેમ, તે અંગે પણ એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

મકાનમાંથી ડ્રગ્સ બનાવવાની  આટલી સામગ્રી મળી

આરોપીના મકાન પરિસરમાં રાખવામાં આવેલા ડ્રોઅરમાંથી 26.85 ગ્રામ પ્રવાહી એમડી અને 0.70 ગ્રામ પાવડર સ્વરૂપમાં એમડી મળી આવ્યું હતું. આ ઉપરાંત એસીટોન, ટુ-બ્રોમો, ફોર-બાયો બ્રોમોમીન, હાઈડ્રોક્લોરિક એસિડ સહિતના કુલ 130.613 કિલો કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. આ સંયુક્ત કાર્યવાહીને ’ઓપરેશન સિન્થેટિક ડ્રગ’ નામ આપવામાં આવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક