• સોમવાર, 16 નવેમ્બર, 2026

ભારતીય ખેલાડીઓની ઉજવણી પાકિસ્તાનને ખૂંચી

પાકિસ્તાની ખેલાડીઓ તરફ આક્રમક ઈશારા કર્યા બાદ મેદાન પર તણાવ વધતા ભારતીય સપોર્ટ સ્ટાફ દોડી ગયો’તો : ટીકા થતાં BCCIએ બચાવ કર્યો

નવી દિલ્હી, તા.15: ઓમાન ખાતે રમાયેલા અંડર-19 એશિયા કપના રોમાંચક ફાઈનલમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને એક વિકેટે હરાવીને હારનો હિસાબ ચૂકતે કર્યો હતો. ભારતીય ખેલાડીઓ દ્વારા આ જીતના આક્રમક જશ્ન બાબતે વિવાદ થયો છે. જોકે, ખેલાડીઓની ઉજવણીનો ભારતીય બોર્ડે બચાવ કર્યો છે.

પાકિસ્તાન સામે દિલધડક જીત બાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર દોડી આવ્યા હતા અને અત્યંત આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા અને ચિગુરુપતિ વેંકટા સહિતના ખેલાડીઓ પાકિસ્તાની વિકેટકીપર હમઝા ઝહૂર અને અન્ય ખેલાડીઓ તરફ આક્રમક ઈશારા કરતા જોવા મળ્યા હતા. મેદાન પર તણાવ વધતા ભારતીય સપોર્ટ સ્ટાફે દોડી જઈને યુવા ખેલાડીઓને શાંત પાડવા પડ્યા હતા, જેને પગલે ખેલભાવના અંગે નવો વિવાદ છેડાયો છે.

 આ ઘટનાક્રમ પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, યુવા ખેલાડીઓ માત્ર દેશનું જ નહીં, પરંતુ પોતાના સંસ્કારોનું પણ પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેમણે જીત અને હાર બંનેમાં સંયમ જાળવવો જોઈએ.

 બીજી તરફ બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ ભારતીય ટીમનો મક્કમ બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, અશક્ય લાગતી જીત હાંસલ કર્યા બાદ આ જશ્ન ખેલાડીઓના આત્મવિશ્વાસ અને અંત સુધી હાર ન માનવાના લડાયક મિજાજને દર્શાવે છે. આટલા કપરા સંઘર્ષ બાદ તેઓ ઉજવણીના પૂરા હકદાર છે.

ઇ-પેપરના નવા શુલ્ક