ભારતે આપેલા 210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 187 રનમાં સમેટાઈ
નવી
દિલ્હી, તા.15 : માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડે મેચમાં ભારતીય
બોલરોનાં સારાં પ્રદર્શનની મદદથી ટીમ ઇન્ડિયાએ યજમાન ન્યૂઝીલેન્ડને 22 રને પરાજય આપીને
પાંચ મેચોની શ્રેણી 3-1થી પોતાનાં નામે કરી લીધી છે. આ જીત સાથે ભારતે સાત વર્ષના લાંબા
અંતરાલ બાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર વન-ડે શ્રેણી જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે; અગાઉ
ભારતે વર્ષ 2019માં અહીં 4-1થી શ્રેણી જીતી હતી.
ટોસ
હારીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. સિનિયર
બેટ્સમેન રોહિત શર્મા (7) અને વિરાટ કોહલી (5) ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા, જ્યારે
ઋતુરાજ ગાયકવાડ 18 અને કેપ્ટન શ્રેયસ અય્યર 22 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. જોકે,
મધ્યક્રમમાં અક્ષર પટેલ (55 બોલમાં 46 રન) અને ઈશાન કિશને (58 બોલમાં 46 રન) મહત્ત્વપૂર્ણ
ઇનિંગ્સ રમી ટીમને સંભાળી હતી. નમન ધીરે 22 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ વિકેટ
માટે મોહમ્મદ સિરાજ (અણનમ 14) અને અર્શદીપ સિંહ (14) વચ્ચે થયેલી 26 રનની ભાગીદારીની
મદદથી ભારત 42.1 ઓવરમાં 209 રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી
કેપ્ટન મિશેલ સેન્ટનર અને જેકબ ડફીએ 3-3, જ્યારે મેથ્યુ ફિશરે 2 વિકેટ ઝડપી હતી. 210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ
ભારતીય બાલિંગ સામે ઘૂંટણિયે પડી ગઈ હતી અને સમગ્ર ટીમ 187 રનમાં સમેટાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ
તરફથી ડીન ફોક્સક્રોફ્ટે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. ભારત વતી અર્શદીપ સિંહે શાનદાર
બાલિંગ કરતા સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે 2-2,
જ્યારે આકિબ નબી, નમન ધીર અને ડેબ્યૂ મેચ રમી રહેલા યશ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી ભારતની
ઐતિહાસિક જીત પર મહોર લગાવી હતી.