• સોમવાર, 16 નવેમ્બર, 2026

ટ્રમ્પ ઉપર ડ્રોનથી હુમલાનો ખતરો

ક્ષ          ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે આપી ગંભીર ચેતવણી : ટ્રમ્પ અને તેમનાં નજીકનાં મંત્રીઓ નિશાને : ઈરાન ઉપર ટ્રમ્પ ભડક્યા

નવીદિલ્હી,તા.1પ: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પ્રશાસનનાં વરિષ્ઠ મંત્રી અને અધિકારીઓને ઈરાન તરફથી જીવનું જોખમ છે. ઈઝરાયલની ખુફિયા એજન્સી મોસાદે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએને આ અંગે બેહદ ગંભીર ચેતવણી આપી છે. ઈરાન વિસ્ફોટક લાદેલા ડ્રોનથી ટ્રમ્પ અને તેમનાં નજીકનાં  સહયોગીઓને નિશાન બનાવવાની સાજિશ રચી રહ્યું હોવાનું ચેતવણીમાં કહેવામાં આવ્યું છે.

આ ગુપ્તચર ચેતવણી પછી અમેરિકામાં ઉહાપોહ મચી ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષાનો ઘેરો વધુ સઘન બનાવી દેવામાં આવ્યો છે અને તેમનાં સાર્વજનિક કાર્યક્રમોમાં પણ કાપ મૂકી દેવામાં આવ્યો છે. ખતરાની ગંભીરતાને ધ્યાને રાખતા ટ્રમ્પ પ્રશાસનનાં અનેક મંત્રીઓને પણ તેમનાં નિવાસમાંથી સુરક્ષિત સૈન્ય ઠેકાણાઓમાં ખસેડી લેવામાં આવ્યા છે.

જે અધિકારીઓને સૌથી વધુ ખતરો છે તેમાં ટ્રેઝરી સેક્રેટરી(નાણામંત્રી) સ્કોટ બેસેંટ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષામંત્રી પીટ હેગસેથનો સમાવેશ થાય છે. સ્બોટ બેસેંટને વોશિંગ્ટનનાં જ્યોર્જટાઉન સ્થિત તેમનાં ઘરેથી હટાવીને સુરક્ષિત સૈન્ય મથકે મોકલી દેવામાં આવ્યા છે. આવી જ રીતે માર્કો રુબિયો અને હેગસેથને પણ મજબૂત સુરક્ષા ધરાવતા સૈન્ય અવાસમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે.

મોસાદનાં વડા રોમન ગોફેન હાલ અમેરિકાનાં પ્રવાસે છે અને તેમણે સીઆઈએનાં વડા જોન રેટક્લિફ સાથે મુલાકાત કરીને આ જાણકારીની પુષ્ટિ આપી હતી.

આ ચેતવણી પછી ઈરાન પ્રત્યે ટ્રમ્પની રુખ સખત થઈ ગઈ છે અને ઈરાન સાથે ચાલતી વાતચીતની પ્રક્રિયામાંથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસને પણ હટાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે, વેંસ સતત ઈરાન સાથે સમજૂતીની હિમાયત કરતાં હતાં અને તેમણે યુદ્ધનો અંત લાવવા માટે ઈરાનનાં અધિકારીઓ સાથે સીધી બેઠક યોજવાનાં પ્રયત્નો પણ કર્યા હતાં.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક