ઉંટવડ નજીકના ફ્યુઅલ પંપ પર પોલીસની કાર્યવાહી; ટેન્કર સહિત રૂ.11.50 લાખનો મુદ્દામાલ કબજે
અમરેલી, બાબરા, તા.18 : અમરેલી
જિલ્લાના બાબરા તાલુકામાં ભાવનગર-રાજકોટ હાઇવે પર ઉંટવડ ગામ નજીક આવેલા ફ્યુઅલ પંપ
પરથી પોલીસે 5,000 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી જપ્ત કર્યું છે. નંદની હોટલ પાસે
આવેલા ‘દસ્તક ડ્રોપ ઈન ફ્યુઅલ’ નામના પંપ પર કરવામાં આવેલી તપાસ દરમિયાન ટેન્કર અને
ડિસ્પેન્સર યુનિટ સહિત કુલ રૂ.11.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે
લાઠી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા અને બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.
પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન પંપના બે ટાંકોમાંથી
અંદાજે 3,500 અને 1,500 લિટર પ્રવાહી મળી કુલ 5,000 લિટર જથ્થો મળ્યો હતો. પોલીસે આશરે
રૂ.4.50 લાખની કિંમતનું પ્રવાહી, રૂ.5 લાખનું આઇસર કંપનીનું ઈ2 પ્લસ મોડલનું મોબાઇલ
ટેન્કર અને રૂ.2 લાખની કિંમતનું ડિસ્પેન્સર યુનિટ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત પાવતી
બુક, નોટબુક અને અન્ય સાધનો પણ કબજે કરાયાં હતાં. પ્રાથમિક તપાસમાં પ્રવાહીના સંગ્રહ
અને છૂટક વેચાણ માટે જરૂરી મંજૂરીઓ તથા પ્રમાણપત્રો રજૂ ન થયાની વિગતો સામે આવી છે.
જપ્ત કરાયેલું પ્રવાહી ખરેખર
બાયોડીઝલ છે કે ડીઝલ, એલ.ડી.ઓ. અથવા અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ છે, તે જાણવા એફ.એસ.એલ.
મારફતે વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવામાં આવશે. દસ્તાવેજોની ખરાઈ અને પરીક્ષણના અહેવાલ બાદ
આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. હાલ પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી
છે.