• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

યુવાનોને ‘ખાદી’ની લગની લાગી, 6 દી’માં રૂ. 80.75 લાખનું વેચાણ

 

જનકસિંહ ઝાલા

રાજકોટ તા.7 ઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો અને સ્વદેશીની ભાવના સાથે જોડાયેલા ખાદીના વસ્ત્રો તરફ લોકોનો ઝોક વધ્યો છે. ખાસ કરીને ગાંધી જયંતિ બાદ ખાદી ભંડારોમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ વધતા વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જાણે બદલાતા સમય વચ્ચે ‘ખાદી’ ફરી એકવાર લોકોની પસંદગી બની છે.

આજથી 108 વર્ષ પૂર્વે ઈ.સ.1917-18માં ભારતને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવા સાબરમતી આશ્રમ ખાતે પ્રયોગાત્મક રીતે પ્રથમવાર ચરખો કાંતીને હાથવણાટનું કાપડ તૈયાર થયું અને મહાત્મા ગાંધીજીએ ખાદીને સ્વદેશી અને સ્વાવલંબન આંદોલન સાથે મજબૂત રીતે જોડÎું તેમણે ચરખા પર કાંતેલા સૂતરમાંથી હાથવણાટનું કાપડ પહેરવાનું અને લોકોમાં તેનો પ્રચાર કરવાનું શરૂ કર્યુ. બાપુની એ ખાદી ચળવળ 1920 સુધીમાં તો દેશવ્યાપી બની ગઈ હતી. એક સમયે પોલિએસ્ટર અને બાદમાં કોટનના ક્રેઝ વચ્ચે હવે યુવાનો ખાદીને દેશી કોટન તરીકે અપનાવતા થયાં છે.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી અને ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘના ચેરમેન પરાગ ત્રિવેદીના જણાવ્યાનુસાર ગત વર્ષે તા.2 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત 14 કેન્દ્રોમાં કુલ 39.52 લાખની ખાદીનું વેચાણ થયું હતું. જેની તુલનાએ આ વખતે તા.2જી ઓક્ટોબરે 43.73 લાખ રૂપિયાની ખાદી વેચાઈ છે. ખાદી વેચાણમાં કુલ 4.21 લાખ (10.65%)નો વધારો થયો છે. આ ઉપરાંત ગ્રામઉદ્યોગમાં સાબુ તેલ સહિત રૂ.3.05 લાખની સામગ્રીઓનું વેચાણ થયું છે. તા.2 ઓક્ટોબરથી લઈને આજે તા.7 ઓક્ટોબરને બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ -રાજકોટ સંચાલિત કેન્દ્રોમાં કુલ 80.75 લાખની કિમતનું ખાદીનું વેચાણ થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક