• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

મોંઘવારીને કાબૂ કરવાની કવાયત ઃ રેપોરેટમાં વધારો

ચાર વર્ષમાં પહેલીવાર ચાવીરૂપ વ્યાજદરમાં વધારોઃ 0.25 ટકા વધીને રેપોરેટ 5.5 ટકાઃ રૂપિયાની કમજોરી અને વૈશ્વિક અનિશ્ચિતતાઓની ચિંતા

 

નવી દિલ્હી, તા.7ઃ વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાનાં કારણે ક્રૂડ ઓઈલનાં ભાવની ઉથલપાથલ અને આર્થિક અસ્થિરતાની આશંકાઓ વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે નાણાનીતિની સમીક્ષા કરતાં છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર રેપો રેટમાં વધારો કર્યો છે, એટલું જ નહીં કેન્દ્રીય બેન્કે આગળ પણ આ ચાવીરૂપ વ્યાજદરમાં વધારાનો સંકેત આપી દીધો છે. રિઝર્વ બેન્ક દ્વારા અપનાવવામાં આવેલી આ રણનીતિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, કેન્દ્રીય બેન્કની પ્રાથમિકતા મોંઘવારી ઉપર નિયંત્રણની છે અને તેનાં હિસાબે વ્યાજદરોમાં ઘટાડાની આશા હવે લગભગ ઓસરી ગઈ છે.

આરબીઆઈની નાણા નીતિ સમિતિ(એમપીસી)એ આજે રેપોરેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. તેથી રેપોરેટ વધીને 5.5 ટકા થયો છે. આ સાથે જ કેન્દ્રીય બેન્કે પોતાની નીતિનાં વલણને તટસ્થથી બદલીને કેલિબ્રેટેડ ટાઈટનિંગ કરી

નાખ્યું છે. આ બદલાવથી સંકેત મળે છે કે, મોંઘવારીનું દબાણ જળવાઈ રહેશે તો આવનારા સમયમાં વ્યાજદરોમાં વધુ ઈજાફો થઈ શકે છે અને લોકોને લોનનાં હપ્તામાં કોઈ રાહત મળવાની આશા ઉપર લગભગ પાણી ફરી વળ્યું છે.

આજે આરબીઆઈનાં ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, નજીકનાં ભવિષ્યમાં રેપો રેટમાં ઘટાડાનો વિકલ્પ નથી. આગળની કાર્યવાહી આર્થિક પરિસ્થિતિ અને મોંઘવારી-િવકાસનાં આંકડા ઉપર નિર્ભર રહેશે. આનો અર્થ એવો થાય છે કે, આગામી બેઠકમાં કેન્દ્રીય બેન્ક પાસે રેપો રેટમાં વધારો કરવાનો કે પછી જાળવી રાખવાનો વિકલ્પ જ હશે.

છ સદસ્યોની બનેલી એમપીસીએ રેપો રેટ વધારવાનાં પક્ષમાં સર્વાનુમતે નિર્ણય લીધો હતો. જે ડિસેમ્બર 2024માં સંજય મલ્હોત્રા આરબીઆઈનાં ગવર્નર બન્યા બાદ પહેલો વધારો છે. આરબીઆઈનું ધ્યાનકેન્દ્ર હવે મોંઘવારી, કમજોર રૂપિયો અને વૈશ્વિક સ્તરે બદલાતી વ્યાજદરોની સ્થિતિ ઉપર છે.

આ ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ વ્યવસ્થામાં મોજૂદ અતિરિક્ત પ્રવાહિતાને ઘટાડવા ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બરમાં બેન્કિંગ સિસ્ટમમાં વધારાની લિક્વિડિટી આશરે 11 લાખ કરોડ રૂપિયા જેટલી હતી.

 

જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારાયું

મોંઘવારીની ચિંતા છતાં આરબીઆઈએ આર્થિક વિકાસ માટે પોતાનું અનુમાન વધારી દીધું છે. કેન્દ્રીય બેન્કે નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 6.7 ટકાથી વધારીને 7.1 ટકા કર્યુ છે. જૂન ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો દર 7.8 ટકા રહ્યો હતો. મજબૂત ઘરેલું ખપત અને રોકાણ ગતિવિધિઓથી આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો હોવાનું કેન્દ્રીય બેન્કે કહ્યું છે.

 

યુપીઆઈ ઉપર ચાર્જથી વ્યવહારો ઘટવાની ચિંતા નથી

યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર 0.4 ટકા એમડીઆર ચાર્જનાં કારણે યુપીઆઈથી વ્યવહારો ઓછા થવાની આશંકા વિશે આરબીઆઈનાં ગવર્નર સંજય મલ્હોત્રાએ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, મામૂલી શુલ્ક લગાડવામાં આવતાં યુપીઆઈ વ્યવહારોની સંખ્યા ઉપર કોઈ મોટી અસર પડવાની શક્યતા દેખાતી નથી.

 

કમજોર રૂપિયો

ભારતીય રૂપિયો ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 7 ટકા જેટલો નબળો પડÎો છે. રૂપિયામાં ઘટાડાથી ક્રૂડ ઓઈલ અને અન્ય આયાતી ચીજોની પડતર ઉંચી જાય છે. જેના હિસાબે મોંઘવારી ઉપર વધારાનું દબાણ સર્જાય છે. બીજીબાજુ 10 વર્ષનાં સરકારી બોન્ડનું યીલ્ડ પણ આશરે ત્રણ વર્ષની ઉંચાઈએ પહોંચી ગયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક