વડનગરથી
વારાણસી સુધી યોજાયેલી ઐતિહાસિક સેવા સંકલ્પ યાત્રામાં જોડાયેલા યુવાનોનો વીડિયો હોવાની
શક્યતા : તપાસ કરીને યોગ્ય પગલા લેવાશે : જિલ્લા ભાજપ
પોરબંદર,
તા.30: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષ પૂર્ણ થતા વડનગરથી વારાણસી સુધીની
સેવા સંકલ્પ યાત્રામાં પોરબંદર યુવા ભાજપના અનેક યુવાનો જોડાયા હતા. જે પૈકી જિલ્લા
યુવા ભાજપના મહામંત્રીની ઉપસ્થિતિમાં યુવાનોની હોટલમાં શરાબ પાર્ટીનો વીડિયો વાયરલ
થયો છે.
પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે અનેરી સેવા સંકલ્પ યાત્રા વડનગરથી
વારાણસી સુધીની યોજાઈ હતી. જેમાં પોરબંદર જિલ્લા યુવા ભાજપના મહામંત્રી આનંદ નાંઢા
સહિત અનેક યુવાનો પણ તેમાં ઉત્સાહ સાથે જોડાયા હતા અને આ ઐતિહાસિક યાત્રામાં જોડાયેલા
યુવાનોએ અન્ય રાજયમાં એક હોટલમાં રોકાણ દરમિયાન વિદેશી દારૂની મહેફીલ જમાવી હોય તે
પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જિલ્લા યુવા ભાજપના મહામંત્રી
આનંદ નાંઢા (સોની) સહિત અન્ય કેટલાક યુવાનોના ચહેરા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. (જો
કે ફૂલછાબ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.) આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોરબંદર
ભાજપમાં હડકંપ મચી ગયો છે અને તરહ તરહની ચર્ચાઓ ચાલી રહી છે.
આ અંગે
પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીને પુછવામાં આવતા તેમણે એવું જણાવ્યું
હતું કે વાયરલ થયેલા વીડિયો અંગે અમને પણ ફરિયાદ આવી છે તેથી અમે તપાસ શરૂ કરી છે.
આ વીડિયો કયારનો છે તે અંગે ખાસ તપાસ થઇ રહી છે. તપાસ કર્યા બાદ જો તેઓ કસુરવાર હશે
તો તેમની સામે ચોકકસપણે પગલા લેવામાં આવશે.