કોલકાતા હાઈ કોર્ટનો મહત્વનો ચુકાદો : જનગણનાનું કામ કરતા શિક્ષકને શાળાની ફરજ ઉપર જ માનવામાં આવશે
કોલકાતા,
તા. 21 : કોલકાતા હાઈ કોર્ટે જનગણના કાર્યમાં મુકવામાં આવેલા શિક્ષકો અંગે એક મહત્વનો
ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ શિક્ષકને જનગણનાની કામગીરી માટે
પ્રતિનિયુક્ત કરવામાં આવે છે તો તેને શાળાની ફરજ ઉપર જ માનવામાં આવશે. આ સાથે જ કોર્ટે
સાફ કર્યું હતું કે કોઈપણ શિક્ષક આ કામ કરવાથી ઈનકાર કરી શકતા નથી. ન્યાયમૂર્તિ કૃષ્ણા
રાવની પીઠે અરજીઓનો નિવેડો લાવતા કહ્યું હતું કે જો જનગણના સંચાલન નિદેશક અને ચાર્જ
અધિકારી શિક્ષકોની સેવાઓ લેવા માગે છે તો કામની તારીખ, સમય અને સ્થળની જાણકારી સંબંધિત
શિક્ષણ સંસ્થાનના પ્રમુખને આપવી પડશે.
અદાલતે
નિર્દેશ આપ્યો હતો કે જનગણના અધિકારીઓથી અનુરોધ મળવા ઉપર સંસ્થાનના પ્રમુખે શિક્ષકોને
કાર્ય માટે અનુમતિ આપવી પડશે. સાથે જ સંસ્થાન પ્રમુખે ઉપલબ્ધ અન્ય શિક્ષકો સાથે વૈકલ્પિક
વ્યવસ્થા કરવાની રહેશે, જેથી છાત્રોના અભ્યાસ ઉપર કોઈ અસર ન પડે.
ન્યાયમૂર્તિ
રાવે કહ્યું હતું કે જનગણના અધિનિયમની ધારા 15એની જોગવાઈ અનુસાર જો શિક્ષક જનગણના ફરજ
ઉપર હોય તો તેને શાળાની ફરજ ઉપર જ માનવામાં આવશે. આ ધારા સુનિશ્ચિત કરે છે કે આબાદીની
ગણતરીના કામથી કોઈ કર્મચારીની કારકિર્દી, નોકરીની સ્થિતિ કે પ્રમોશનના અવસરો ઉપર પ્રતિકુળ
પ્રભાવ ન પડે. પીઠે સ્પષ્ટ કર્યું હતું કે, જનગણના કાર્ય માટે પ્રતિનિયુક્ત કરવામાં
આવેલા શિક્ષક જવાબદારી નિભાવવાથી ઈનકાર કરી શકે નહી. આ અગાઉ પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે
અદાલતને માહિતી આપી કે શિક્ષકોને શાળાના સમય બાદ અને સપ્તાહના અંતમાં જનગણનાની કામગીરી
કરવાનો આદેશ પરત ખેંચવામાં આવ્યો છે.