તાલોદથી 90 વિદ્યાર્થીઓ બે બસમાં પ્રવાસે આવ્યા હતા; શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સારવાર
બોટાદ તા.21 : બોટાદમાં પ્રવાસે
આવેલા વિદ્યાર્થીઓમાં અચાનક તબિયત લથડવાની ઘટનાથી ચકચાર મચી હતી. સાબરકાંઠાના તાલોદથી
આશરે 90 જેટલા વિદ્યાર્થીઓ બે બસ મારફતે પ્રવાસે નીકળ્યા હતા. બોટાદ પહોંચ્યા બાદ તેમાંથી
35થી 40 જેટલા વિદ્યાર્થીઓને તાવ, શરદી અને ઉધરસ સહિતની તકલીફો થતાં તેમને તાત્કાલિક
સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી
હોસ્પિટલના ઓપીડી વિભાગમાં એકસાથે મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચ્યા હતા. તબીબોએ વિદ્યાર્થીઓની
તપાસ કરી જરૂરી સારવાર શરૂ કરી હતી. જોકે, પૂરતા બેડ ઉપલબ્ધ ન હોવાથી સારવાર દરમિયાન
મુશ્કેલી સર્જાઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓને એક જ બેડ પર બે જણને સુવડાવી સારવાર
આપવી પડી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓની તબિયત બગડવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ
થયું નથી. પ્રવાસ દરમિયાન લેવાયેલું પાણી કે ખોરાક, હવામાનમાં ફેરફાર અથવા અન્ય કારણ
જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
સોનાવાલા હોસ્પિટલના ઇન્ચાર્જ
સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મંથન ત્રિવેદીના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં પાણી અને ખોરાકના
કારણે તબિયત લથડી હોવાની શક્યતા છે. હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારા પર છે અને
કોઈની હાલત ગંભીર નથી. આરોગ્ય તંત્ર દ્વારા પણ જરૂરી તપાસ હાથ ધરાઈ છે.