-મંદિર પરિસરને દોઢ કરોડના વીમા કવચથી સુરક્ષા ઃ 30,000 પોલીસ જવાનો સુરક્ષામાં રહેશે તૈનાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 13ઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું છે. આગામી 16 જુલાઈ,
ગુરુવારના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પરંપરાગત માર્ગ પર નગરચર્યાએ નીકળશે. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાની મંજૂરી મળતા જ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ રથયાત્રામાં 45,000 કિલો
મગનો પ્રસાદ વહેંચાશે.
રથયાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિર અને બહારના વિસ્તાર માટે દોઢ કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે.
રથયાત્રામાં 18 શણગારેલા
ગજરાજો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યારે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 શોભાયાત્રાની
ટ્રકો રથયાત્રામાં જોડાશે. શારીરિક કૌશલ્યોના પ્રદર્શન માટે 30 અખાડા
અને ભક્તિમય વાતાવરણ જાળવવા માટે 18 ભજન મંડળીઓ તેમજ 3 બેન્ડવાજાની ટીમ તૈનાત રહેશે. ભગવાનના રથને ખેંચવા માટે 1000થી
1200 ખલાસી ભાઈઓ જોડાયા છે, અને દેશભરમાંથી 2500થી વધુ સાધુ-સંતો આ યાત્રામાં ભાગ લઈ ભક્તોને આશીર્વાદ આપશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે પોલીસ કમિશનર અનુપમાહિં ગેહલોતની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગે મેગા સુરક્ષા રિહર્સલ યોજ્યું હતું. ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ કરી 14 કિલોમીટરના
સમગ્ર રથયાત્રા રૂટ પર આ કવાયત હાથ ધરવામાં આવી હતી. રથયાત્રાના સમગ્ર રૂટ પર બંદોબસ્ત માટે કુલ 30,000 પોલીસ
જવાનોને તૈનાત કરવામાં આવશે.