• શુક્રવાર, 06 માર્ચ, 2026

ધુળેટી પર રાજ્યમાં ડૂબી જવાથી 12નાં મૃત્યુ

અમદાવાદના 4 મિત્રના સાબરમતી નદીમાં અને માંડલ તાલુકાના સીતાપુર ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મૃત્યુ

તાપીમાં બે અલગ-અલગ જગ્યાએ નાહવા પડેલા 3 યુવક ડૂબ્યા

શેત્રુંજી નદીમાં નાહવા પડેલા યુવકનું અને કલ્યાણપુરમાં તળાવમાં ડૂબી જવાથી કિશોરનું મૃત્યુ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.5: ધુળેટી તહેવાર દરમિયાન રાજ્યભરમાં અલગ-અલગ જગ્યાએ ડૂબી જવાથી 9ના મૃત્યુ નિપજ્યા છે. જેમાં અમદાવાદના કુબેરનગરના ચાર મિત્ર કોતરપુર પાસે સાબરમતી નદીમાં ડૂબી ગયા હતા જ્યારે અમદાવાદના સીતાપુર ગામે તળાવમાં નાહવા પડેલા 3 યુવક ડૂબી જતા મૃત્યુ થયા હતા. તેમજ સુરતમાં બે અલગ-અલગ જગ્યાએ તાપી નદીમાં નાહવા પડેલા યુવાનો પૈકી બેએ જીવ ગુમાવ્યો છે જ્યારે હજુ એક યુવકની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત અમરેલીના ખંભાળિયા અને વિઠ્ઠલપુર વચ્ચે આવેલી શેત્રુંજી નદીમાં નાહવા પડેલા યુવકનું અને કલ્યાણપુરમાં તળાવમાં ડૂબી જવાથી કિશોરનું મૃત્યુ થયું હતું. આમ રાજયમાં અલગ-અલગ જગ્યાએ ડી જવાથી 9ના મૃત્યુ થતા તહેવારનો આનંદ માતમમાં ફેરવાઇ ગયો હતો.

ખંભાળિયા : જામ કલ્યાણપુરમા ધૂળેટીના દિવસે મિત્રો સાથે હોળી રમીને મયંક કરમૂર નામનો કિશોર નાહવા માટે કલ્યાણપુર નજીક આવેલા એક તળાવે ગયો હતો. જોકે, તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા કિશોર ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ તેને બચાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે તેને બચાવી શકાયો ન હતો. તહેવારના દિવસે જ વહાલસોયા પુત્રનું મૃત્યુ નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

અમરેલી: બહારપરામાં રહેતાં સમીરભાઈ મહેશભાઈ સોલંકી નમ્નોર 17 વર્ષીય તરુણ ગત તા.4ના રોજ બપોરનાં અમરેલી તાલુકા ખંભાળિયા અને વિઠ્ઠલપુર વચ્ચે આવેલી શેત્રુંજી નદીમાં ધુળેટીનો તહેવાર રમીને ન્હાવા ગયો હતો અને કોઈ કારણસર નદીમાં તરુણ ડૂબી ગયો હતો. આ અંગેની જાણ અમરેલી ફાયર ટીમને થતાં જ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.

વિરમગામ : અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ધૂળેટીનાં દિવસે ધૂળેટી રમ્યા બાદ ગામના ઝોલાસર તળાવમાં પાંચ છ બાળકો નહાવા ગયા હતા. ધૂળેટી પર્વની બપોરે તળાવમાં નાહવા પડેલા બાળકો પૈકી નવ વર્ષથી  અગિયાર વર્ષની ઉંમરના ત્રણ બાળકો પાર્થ રાઠોડ, સૌરવ રાઠોડ તથા કૌશિક રાઠોડ તમામ રહેવાસી સીતાપુરનાં તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યા હતાં. ઘટનાની જાણ થતાં હાંસલપુર પોલીસ અને સ્થાનિક રહીશો ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય બાળકોને સીતાપુર હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. બાદમાં શંખલપુરની સરકારી હોસ્પિટલ ખાતે ત્રણેય મૃતકોનાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાં હતાં.

અમદાવાદ: અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાછળથી સાબરમતી નદી પસાર થાય છે. ધૂળેટીનો તહેવાર હોવાના કારણે કુબેરનગરમાં રહેતા સાહિલ, પીયૂષ, દુર્ગેશ અને સન્ની નામના મિત્રો સાબરમતી નદીમાં નાહવા માટે ગયા હતા. નાહતી વખતે અચાનક જ તેઓ ડૂબવા લાગ્યા હતા. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિ દ્વારા કેટલાક યુવકો ડૂબતા હોવાનું જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં ચાર યુવકોની લાશ મળી હતી.

સુરત: સરથાણા નેચર પાર્કની પાછળ વહેતી તાપી નદીમાં ગત મોડી સાંજે ત્રણ યુવકો નહાવા માટે પડયા હતા. નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ત્રણેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. ત્રણ મિત્રોમાંથી એક યુવકને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી આવવામાં સફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની શોધખોળ બાદ 19 વર્ષીય જયદીપ વિરાસ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે તેની સાથે ડૂબેલા ક્રિષ્ના નામના અન્ય એક યુવકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. બીજા બનાવમાં મોટા વરાછા વિસ્તારમાં ગોકુલધામ પોલીસ ચોકીની પાછળ આવેલા રિવરવ્યુ એપાર્ટમેન્ટ પાસેથી વહેતી તાપી નદીમાં નહાવા પડેલો એક યુવક ડૂબી ગયો હતો. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નદીના ઉંડા પાણીમાં તપાસ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન એક 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી બાદ પોલીસને સોંપ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક