છોકરીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ લવ જેહાદ ગણાવીને ઉગ્ર વિરોધ કર્યો : કારંજ પોલીસ હરકતમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.3 : અમદાવાદ સ્થિત
ઘી કાંટા ખાતે આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
મુસ્લિમ છોકરો હિન્દુ છોકરીને વકીલના ડ્રેસમાં લઈને પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ
હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોર્ટ પરિસરમાં આ ‘ડ્રામા’ને લઈને
માહોલ તણાવભર્યો બન્યો હતો. છોકરીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ રજિસ્ટ્રાર ઓફિસમાં
બંધ બારણે લગ્ન નોંધણીને લઈને કંઈક રંધાઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વિરોધ
કરનારા હિન્દુ સંગઠનનોએ હિન્દુ છોકરીને પ્રેમજાળમાં ફસાવી હોવાથી લવ જેહાદનો મામલો
હોવાની ફરિયાદ પણ કરી હતી.
હિન્દુ છોકરી અને તેને કોર્ટમાં
લાવનાર બન્નેએ વકીલનો પોશાક પહેર્યો હોવાથી ભારે વિવાદ સર્જાયો હતો. કોર્ટમાં હાજર
વકીલોમાં પણ આ મામલે ભારોભાર રોષ જોવા મળ્યો છે. યુવતી અને તેને લાવનાર વ્યક્તિ વકીલ
નહીં હોવા છતાં વકીલ જેવો પહેરવેશ ધારણ કર્યો હોવાથી કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા
લોકોએ આને મર્યાદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વિધર્મી સલમાન મન્સૂરી સાથે હિન્દુ યુવતીના
લગ્નનો વિરોધ વધુ વકરે તે અગાઉ કારંજ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો કોર્ટમાં આવી પહોંચ્યો
હતો. પોલીસે લગ્ન નોંધણી કરાવવા આવેલા બન્નેની અટક કરી હતી. ત્યારબરાદ હિન્દુ સંગઠનોના
કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કોર્ટમાં
રજિસ્ટ્રાર કચેરી આસપાસ હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.