• બુધવાર, 04 માર્ચ, 2026

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ : કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા ભાવિકો !

જય રણછોડના શુભ નાદ સાથે કાળિયા ઠાકોરના સાંનિધ્યમાં અબીલ ગુલાલની છોળો ઉડી

દ્વારકા તા.3 : યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો. આશરે 10 દિવસથી યાત્રાધામમાં હોળી ફૂલડોલના ધર્મમય માહોલમાં તેમજ ભાવિકોની ઉપસ્થિતિમાં ફૂલડોલ પર્વની ઊજવણી કરવામાં આવી હતી.  દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજે બપોરે ર કલાકે વારાદાર પૂજારી દ્વારા ઠાકોરજીની ઉત્સવ આરતી કરવામાં આવી હતી જેના દર્શન મનોરથનો હજારો ભાવિકોએ પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશના લાખો કૃષ્ણભકતોએ લાભ લઈ ભાવવિભોર બન્યાં હતાં. ફુલડોલ ઉત્સવમાં પહોંચેલા હજારો ભાવિકો ઠાકોરજી સંગ ઉત્સવ મનાવવા ખૂબ જ ઉત્સુક હતા. આજે બપોરે 2 થી 3 વાગ્યા સુધી જય રણછોડના શુભ નાદ સાથે કાળિયા ઠાકોરના સાંનિધ્યમાં અબીલ ગુલાલની છોળો રેલાવી ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ફૂલડોલ ઉત્સવની ઊજવણી કરવામાં આવી હતી. હજારો ભાવિકોએ કાળિયા ઠાકોરજી સંગે ફૂલડોલ ઉત્સવ મનાવી જાણે કાન્હા સાથે રંગે રમ્યાનો અનેરો ઉત્સાહ ચોમેર જોવા મળ્યો હતો. દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે ર કલાકે ઠાકોરજીની  ઉત્સવ આરતી બાદ વારાદાર પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજીના ઉત્સવ સ્વરૂપ બાલ ગોપાલજીને વિશેષ તૈયાર કરાયેલા ઝુલામાં ઝુલાવ્યા હતા. પૂજારી પરિવાર તેમજ ભાવિકોને કાન્હાના બાલ સ્વરૂપને ઝુલે ઝુલાવવાનો અલભ્ય લહાવો મળ્યો હતો. –

અહીં ગાયકવાડ સરકાર સમયની ગોમતી ઘાટ પાસેના ચોકમાં હોળીનું આયોજન કરવામાં આવે છે. એસ.પી.જયરાજસિંહ વાળા પરિવારે વિધિવત્ પૂજન અર્ચન કર્યા બાદ હોલીકા દહન કરવામાં આવ્યું હતું.

બરડા ડુંગરમાં કાનમેરા શિખરની ટોચે હોળી પ્રજવલિત કરાઈ

પોરબંદર નજીકના બરડા ડુંગર પર કાનમેરા શિખર પર ગઈકાલે હોળી પ્રજવલિત કરાયા બાદ આસપાસના ગ્રામીણ પંથકમાં હોળી પ્રજવલિત કરવામાં આવી હતી. સ્થાનીય લોકોએ કાનમેરા હોળીના દર્શન બાદ આજુબાજુના ગામડાઓમાં સમાચાર આપ્યા બાદ બધા ગામડાઓમાં પરંપરાગત રીતે હોળી પ્રજવલિત કરવાની પરંપરા આજે પણ જોવા મળે છે. લોકવાયકા અનુસાર હજારો વર્ષ પહેલાભગવાન શ્રીકૃષ્ણે રૂકિમણીજીનું અપહરણ કર્યા બાદ ફાગણ સુદ પૂનમના દિવસે આ સ્થળે હોળી પ્રજવલિત કરી હતી ત્યાર બાદ આ સ્થળનું નામ કાનમેરો પડયું હતું. એવું પણ કહેવાય છે કે પહેલાના સમયમાં કાનમેરા હોળીની જવાળાઓના દર્શન છેક દ્વારકાથી થઈ શકતા હતા. દર વર્ષે અહીં હોળી પ્રજવલિત કરાયા બાદ વડીલો દ્વારા વિવિધ દુહાઓ અને છંદ બોલવામાં આવે છે અને લોકો અહીં રાસ રમે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક