વીમા, વીજ કંપનીઓના કર્મચારીઓએ પણ હડતાલમાં જોડાયા, સૂત્રોચ્ચાર કરી કેન્દ્રની નીતિનો વિરોધ કર્યો
રાજકોટ,
તા. 12: આજે તારીખ 12ના રોજ દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકો, એલઆઈસી તેમજ વીજ કંપનીઓના
કર્મચારીઓએ વિવિધ પડતર માગણીઓ તેમજ ખાનગીકરણ સહિતની નીતિના વિરોધમાં હડતાલ કરી હતી.
જેમાં ખાસ કરીને બેંકો બંધ રહેતા કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો-કામકાજો ઠપ થયા હતા.
બેંક તેમજ એલઆઈસી અને ગુજરાત રાજ્યની સાતેય ઉર્જા કંપનીઓના વીજ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર
કરી કેન્દ્રની નીતિનો વિરોધ કર્યો હતો.
રાજકોટમાં
પરાબજાર ખાતે બેંક કર્મચારીઓએ એકઠા થઈને સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ સિવિલ હોસ્પિટલ
ચોકમાં હડતાલના સમર્થનમાં ઉતરેલા તમામ સરકારી કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કેન્દ્રની
ખાનગીકરણની નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કર્મચારીઓએ વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ પણ
પ્રદર્શીત કર્યા હતા.
જામનગર
: જામનગરમાં ટ્રેડ યુનિયનોની હડતાલના ટેકામાં રાષ્ટ્રીય કૃત બેંકોના કર્મચારીઓ પણ જોડાયા
હતા. આથે બેંકોની શાખાઓમાં કામકાજ ઠપ થયા હતા. નવા નિયમ મુજબ 300 મજુર હોય એ એકમે છટણી
માટે સરકારની મંજુરી લેવી પડશે. ઉપરાંત સ્ત્રીઓને રાત્રે નોકરી તથા 60 દિવસ પહેલા હડતાલની
મંજુરી સહિતની બાબતોનો વિરોધ કરાયો હતો.
મોરબી
: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર વીજળી (સુધારા) બિલ-2025 અને વીજ ક્ષેત્રના
ખાનગીકરણ વિરોધે ગુજરાતભરમાં વીજ કર્મચારીઓએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોરબી સહિત
મહેસાણા, રાજકોટ, વડોદરા, સુરત સહિતના તમામ જિલ્લા મથકો પર કર્મચારીઓએ ઓફિસોની બહાર
આવી સૂત્રોચ્ચાર સાથે રેલી અને વિરોધસભા યોજી હતી.
પોરબંદર
: પોરબંદરમાં હડતાલને કારણે બેંકીંગ સેવાઓને મોટો ફટકો પડયો હતો. આ ઉપરાંત જિલ્લાના
એલઆઈસી કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા હતા. હડતાલકર્તાઓએ જણાવ્યું હતું કે 29 મજુર
કાયદાઓ રદ કરીને નવા ચાર લેબર કોડ બનાવાયા છે. જે કરારી રોજગારીને પ્રોત્સાહિત કરે
છે. કામદારોની ફારગતીને આસાન બનાવે છે. જેનો વિરોધ કરાઈ રહ્યો છે. આ સાથે ગુજરાતની
સાતેય વીજ ઉર્જા કંપનીઓના કર્મચારીઓ પણ આ હડતાલમા જોડાયા હતા.