• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

લાલ કિલ્લા પાસે આતંકી હુમલામાં જૈશનો હાથ : યુનોનો રિપોર્ટ

પાકિસ્તાની આતંકી જૂથનાં નામોલ્લેખથી ભારતની મોટી કૂટનૈતિક જીત : બલૂચિસ્તાન મુદ્દે પણ ચીન અને પાક.ને ઝટકો

નવી દિલ્હી, તા.12: જૂની દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા પાસે 9મી નવેમ્બરે થયેલો જોરદાર વિસ્ફોટ ભારત માટે ગહન આઘાત સમાન હતો. આ આતંકવાદી હુમલામાં 15 લોકોનાં મૃત્યુ નીપજ્યા હતાં. આ ઘટના વિશે હવે સંયુક્ત રાષ્ટ્ર(યુનો)ની આતંકવાદી નિરીક્ષણ ટીમનાં નવા અહેવાલમાં કરવામાં આવેલા ઉલ્લેખ આતંકનાં પ્રાયોજક પાકિસ્તાન માટે લપડાક અને ભારત માટે મોટી કૂટનીતિક જીત સમાન છે. આ રિપોર્ટમાં પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદનો હુમલા પાછળ હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં અહેવાલમાં મહિલાઓની અલગ પાંખ રચવા સહિતની જૈશની નવી સાજિશો ઉપર પણ ચિંતા દર્શાવવામાં આવી છે.

તજજ્ઞોનું કહેવું છે કે, જૈશનું નેટવર્ક વિસ્તરી શકે છે અને તેને સુરક્ષા એજન્સીઓની નજરથી બચવામાં મદદ પણ મળી શકે છે. બીજીબાજુ યુનોની સુરક્ષા પરિષદને સોંપવામાં આવેલા અહેવાલમાં એનાલિટીકલ સપોર્ટ એન્ડ સેંક્શન્સ મોનિટરિંગ ટીમે કહ્યું છે કે, જૈશે 9મી નવેમ્બરે દિલ્હીમાં થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.

અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જૈશે 8 ઓક્ટોબરે મહિલાઓ માટે જમાત ઉલ મુમિનાત નામક એક પાંખ બનાવી અને તેનો ઉદ્દેશ આતંકી ગતિવિધિઓ ચલાવવા અને તેમાં સહયોગ કરવાનો છે. આ સંગઠન માટે ભર્તી અને સંચાલનનું નવું મોડેલ અપનાવાયું છે. મહિલાઓને સહાયક અને સક્રિય ભૂમિકામાં સામેલ કરીને સુરક્ષા તપાસથી બચાવવાની કોશિશ થઈ રહી છે. આ સંગઠન મુખ્યત્વે ભારત અને તેમાં પણ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે અને જૈશે ભારતમાં અનેક મોટા હુમલાઓની જવાબદારી લીધેલી છે.

યુનોનાં રિપોર્ટમાં મધ્ય અને દક્ષિણ એશિયામાં બદલાતા આતંકી ખતરાનો ઉલ્લેખ છે અને કહેવાયું છે કે, અનેક કટ્ટરપંથી સંગઠન ક્ષેત્રીય અસ્થિરતા અને સીમાપારનાં નેટવર્કનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. સતત દબાણ છતાં જૈશ જેવા સંગઠન નવી તરકીબો અજમાવીને મોટા હુમલા કરવાની ક્ષમતા દેખાડી રહ્યાં છે.

યુનોનાં રિપોર્ટમાં જૈશનું નામ આવતાં પાકિસ્તાનને દુ:ખાવો ઉપડે તે સ્વાભાવિક છે. રિપોર્ટમાં જૈશનું નામ સામેલ કરવા સામે વિરોધ દર્શાવનાર દેશ પણ એકમાત્ર પાકિસ્તાન હતું. આવી જ રીતે બલૂચિસ્તાન લિબરેશન આર્મી(બીએલએ)નાં મામલે પણ પાકને નિરાશા જ હાથ લાગી છે. પાકિસ્તાન અને ચીને બીએલએને આતંકી સંગઠન તરીકે ઠરાવવા માટે પ્રસ્તાવ આપેલો પણ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આ મુદ્દાને સ્થગિત રાખી દીધો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક