• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

ચીની સેનાની ઘૂસણખોરી ઃ રાહુલના દાવાથી લોકસભામાં હોબાળો

- રાજનાથ સિંહનો પલટવાર ઃ પૂર્વ સેનાધ્યક્ષ નરવણેનાં અપ્રકાશિત પુસ્તકના હવાલેથી દાવો કરતા વિપક્ષી નેતાએ પુરાવા આપવા જોઈએ ઃ

સ્પીકરે રાહુલને નિયમ ટાંકીને કહ્યું, આ વિશે બોલી શકાય નહીં ઃ ગૃહની કાર્યવાહી સ્થગિત ઃ રાહુલના વિવાદાસ્પદ વિધાન કાર્યવાહીમાંથી હટાવાયા

 

નવીદિલ્હી, તા.2ઃ લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનાં અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ડોકલામ ઉપર પૂર્વ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણેનાં અપ્રકાશિત પુસ્તકનો હવાલો આપીને દાવો કર્યો હતો કે, ડોકલામ તનાવ વખતે ચીનની ટેન્ક ભારતીય ચોકીની 100 મીટર જેટલી નજીક આવી ગઈ હતી. રાહુલના આ ઉલ્લેખ સાથે જ ગૃહમાં હંગામો મચી ગયો હતો શાસક-િવપક્ષ વચ્ચે તીખી રકઝક થઈ હતી. વડાપ્રધાન મોદી અને રાજનાથસિંહ વિશે રાહુલના વિવાદાસ્પદ વિધાનોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યા હતાં.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાનાં સ્થાને ઉભા થઈને રાહુલનાં વિધાન સામે વાંધો ઉઠાવ્યો હતો. રાજનાથે કહ્યું હતું કે, રાહુલ ગાંધી જે પુસ્તકને ટાંકી રહ્યાં છે તે વાસ્તવમાં હજી સુધી પ્રકાશિત થયું જ નથી. જેને પગલે રાહુલે આ પુસ્તક પ્રકાશિત થવા દેવાતું નથી તેવો વળતો હુમલો બોલાવ્યો હતો. આ ચકમક ઝરતી હતી ત્યારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી પોતે જ સાબિત કરી રહ્યાં છે કે, આ પુસ્તક પ્રકાશિત થયું જ નથી જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને નિયમનો વાલો આપીને ટકોર કરી હતી કે, શા માટે તેઓ પુસ્તકનો ઉલ્લેખ કરી શકે નહીં.

રાહુલ ગાંધીએ પૂર્વ સેના પ્રમુખ નરવણેનાં પુસ્તકનો હવાલો આપીને સરકારને ચીન મુદ્દે સવાલો પૂછવાનું શરૂ કર્યું ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે આનાં પ્રમાણ આપીને દાવો કરવાનો  પડકાર ફેક્યો હતો. આ દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો અને ગૃહની કામગીરી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીનની સેના ભારતીય સીમામાં ઘૂસી રહી છે. રાહુલના આ વિધાન સાથે જ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે રાહુલનો પક્ષ લેતા કહ્યું હતું કે, વિપક્ષના નેતાને પોતાની વાત રજૂ કરવાનો પૂરો હક છે. રાહુલે આગળ કહ્યું કે, ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા કહે છે કે, અમે દેશભક્ત નથી. જેનાં ઉપર હું કહેવાં માગું છું કે, પૂર્વ સેના વડા નરવણેએ પોતાનાં પુસ્તકમાં લખ્યું છે કે, ચીની સેના ભારતીય હદમાં ઘૂસણખોરી કરી રહી છે.

જેને પગલે શોરબકોર વચ્ચે રાજનાથ સિંહે કહ્યું હતું કે, રાહુલે આધાર વિહોણાં આરોપ લગાવવા ન જોઈએ. તેમણે પોતાનાં દાવાનાં પુરાવા રજૂ કરીને પ્રમાણિત કરવા જોઈએ. તેઓ જે પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યા છે તે વાસ્તવમાં પ્રકાશિત જ થયું નથી. જો પુસ્તકમાં તથ્યો સાચા હોત તો પુસ્તક જરૂર પ્રકાશિત થયું હોત અને રાહુલ ગાંધીને લાગતું હોય કે, પુસ્તકને સરકારે ખોટી રીતે અટકાવ્યું છે તો પૂર્વ સેનાઅધ્યક્ષ અદાલતનો દરવાજો ખખડાવેત.

રાહુલનાં નિવેદન સામે વાંધો ઉઠાવતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, સંસદમાં બજેટ અને રાષ્ટ્રપતિનાં અભિભાષણની ચર્ચા થઈ રહી હતી. તે મુદ્દા ઉપર જ વાત થવી જોઈએ. આ સદન નિયમોથી ચાલે છે અને મોટા પક્ષના વિપક્ષી નેતા હોવાના નાતે રાહુલ ગાંધી પાસેથી નિયમોનાં પાલનની અપેક્ષા રાખવામાં આવે છે. બિરલાએ આગળ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં ભાષણમાં ભારત-ચીન સંબંધોનો કોઈ ઉલ્લેખ નથી. જેને પગલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકાર તરફથી વિપક્ષના રાષ્ટ્રવાદ સામે સવાલ ઉઠાવવામાં આવે છે. નરવણેનાં પુસ્તકમાં રાજનાથ સિંહ સહિતના કેટલાક લોકો સામે લખવામાં આવ્યું છે પણ મને બોલાવા દેવામાં આવતો નથી. મારી વાત ચીન વિશે નહીં બલકે વડાપ્રધાન અને રક્ષામંત્રીનાં ચારિત્ર્ય વિશે છે. જેને પગલે સ્પીકરે કહ્યું હતું કે, સંસદના નિયમ 353 હેઠળ કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ બોલતા પહેલાં લેખિતમાં જાણકારી આપવી પડે છે. આ હંગામા વચ્ચે સ્પીકરે ગૃહની કાર્યવાહી સ્થગિત રાખી દીધી હતી.

લોકસભામાં આ હોબાળા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂ અને કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળવા તેમના કક્ષમાં પહોંચી ગયા હતા. આ પહેલા રિજિજૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક