• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

ખંભાળિયામાં યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપી ઝડપાયા

-પોલીસે બે મહિલા અને એક શખસ સહિત ત્રણ સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીઓને દબોચી લીધા

જામ ખંભાળિયા તા.1 ઃ ખંભાળિયા તાલુકાના રામનગર ગામની સીમમાં આવેલા ગુંદમોરા વિસ્તારમાં એક 25 વર્ષીય યુવાનની તિક્ષ્ણ હથિયારો વડે હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મૃતકના પિતાએ બે મહિલા અને એક શખ્સ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ખંભાળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલા ગુંદમોરા સીમમાં રહેતા ફરિયાદી અશ્વિનભાઈ ચોપડાએ ખંભાળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની વાડીએ કામ કરતા હતા. ત્યારે તેમના મોટા બાપુજીના દીકરા રવજી બચુ ચોપડાનો ફોન આવ્યો હતો અને તેમને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. જેથી ફરિયાદી અશ્વિનભાઈ તેમના પરિવારજનો અને અન્ય સાહેદો સાથે રવજીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં રવજીનું ઘર અંદરથી બંધ હતું, જે ખોલાવતા અંદર રવજી ભાણા ચોપડા અને તેમની બે પુત્રીઓ કિરણબેન રવજી ચોપડા તથા કાજલબેન રવજી ચોપડા હાજર હતા.  ઘરમાં પ્રવેશ્યા બાદ આરોપી રવજીએ તેમના રૂમના દરવાજામાં તાળું માર્યું હોય, જે રૂમનું તાળું ખોલીને બતાવતા અંદર ફરિયાદી અશ્વિનભાઈનો પુત્ર જસવંત લોહીલુહાણ હાલતમાં પડયો હતો. અને મૃતક જસવંતના ચહેરા પર પ્લાસ્ટિકનું બાચકું અડધું પહેરેલું હતું અને કપાળ તેમજ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા મારવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક જસવંતના પિતા અશ્વિનભાઈની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપી રવજી ભાણા ચોપડા અને તેમની બે પુત્રીઓ વિરુદ્ધ ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા જિલ્લા પોલીસે તુરંત જ કાર્યવાહી કરી આરોપીઓને ગણતરીની કલાકોમાં રાઉન્ડ આપ કરી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક