300 હોટલ- ગેસ્ટહાઉસોમાં હાઉસફુલના પાટિયા લાગી જતા અનેક પ્રવાસીઓ હેરાન થયા
જન્માષ્ટમી
અને સ્વતંત્રતા પર્વે યાત્રાધામમાં ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનેરો સમન્વય
(ફૂલછાબ
ન્યુઝ)
વેરાવળ,
તા.17 : જન્માષ્ટમીના શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ
મહાદેવના સાન્નિધ્યમાં ભક્તિ અને ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. આ પર્વના ત્રણ
દિવસની રજામાં સોમનાથ સાન્નિધ્યમાં અંદાજે પાંચેક લાખનું માનવ મહેરામણ ઉમટયો હતો. ભક્તિભાવથી
ઓતપ્રોત ભાવિકોએઁ શિસ્તબદ્ધ રીતે સોમનાથ દાદાને શીશ ઝૂકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આ પર્વે યાત્રાધામ સોમનાથ વેરાવળની તમામ હોટલો ઉપર હાઉસફુલના પાટિયા લાગી ગયેલા જોવા
મળતા હતા. જેના લીધે અસંખ્ય ભાવિકો હેરાન થયા હતા.
આ પર્વે
સોમનાથ મંદિર અને સમગ્ર પ્રભાસ તીર્થમાં ‘જય સોમનાથ’, ‘જય રણછોડ માખણ ચોર’ના સતત નાદ
ગુંજતા હોવાથી તીર્થભૂમિમાં આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા
ભક્તોની સુવિધા માટે સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા, કયુ મેનેજમેન્ટ વ્યવસ્થા, પીવાના પાણી, તબીબી સહાયની
વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો પોલીસ વિભાગે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં
ચેકિંગ બાદ લોકોને મંદિરમાં પ્રવેશ અપાતો હતો. જ્યારે જન્માષ્ટમીના દિવસે સોમનાથ મહાદેવને
વિશેષ પુષ્પોનો અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભાવિકોએ મહાદેવના દર્શન સાથે સાથે શ્રી
કૃષ્ણ જન્મોત્સવની દિવ્ય લાગણીનો પણ અનુભવ કરાવ્યો હતો. સાંજ સમયે મંદિર પરિસરમાં ભવ્ય
આરતીના દર્શન માટે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તો 15 ઓગષ્ટના દિવસે
સવારે પરિસરમાં ટ્રસ્ટીઓ અને પોલીસ કર્મચારીઓએ ધ્વજવંદન કર્યુ હતુ. આમ તીર્થસ્થળમાં
ભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સમન્વય સર્જાયો હતો.
હોટલ-ગેસ્ટ
હાઉસોએ ત્રણ-ચાર ગણા ભાડા વસૂલી યાત્રિકોને લૂંટયા
ત્રણ
દિવસની જાહેરરજા હોવાથી યાત્રાધામ સોમનાથમાં અંદાજે પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડયા
હતા. જેના પગલે યાત્રાધામ વેરાવળ સોમનાથમાં આવેલી 300 થી વધુ હોટલો ગેસ્ટ હાઉસોમાં
હાઉસફુલના પાટિયા લાગી ગયા હતા. તો ઘણા પ્રવાસીઓને રૂમો ન મળવાના પગલે હેરાન થયા હતા.
આ પરિસ્થિતિનો ઘણા હોટલો અને ગેસ્ટ હાઉસોએ લાભ લઈ દૂરદૂરથી આવેલા પ્રવાસીઓ પાસેથી ત્રણથી
ચાર ગણા ઉંચા ભાડા વસૂલી લૂંટયા હોવાની ફરિયાદો પણ પ્રવાસીઓમાંથી ઉઠી હતી. તો આસપાસના
ફરવાલાયક સ્થળોએ ફરવા જવાના ટેકસી ભાડાઓ પણ બમણાથી વધારે થઈ ગયા હોવાની બુમો લોકોમાંથી
ઉઠી હતી. આમ યાત્રાધામમાં જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓ જ જોવા મળતા હતા.
સોમનાથ
મૈ કાન્હો ભયો, જય કનૈયા લાલ કી...
સોમનાથમાં
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા સોમનાથ સાનિધ્યમાં આવેલા ભાલકા
તીર્થ તેમજ શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી
કરવામાં આવી હતી. સવા લાખ વિવિધ પૂષ્પો, લાઈટિંગ અને વિવિધ શુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહને
ભવ્યતાથી શણગારવામાં આવેલ હતા. સમગ્ર દિવસ દરમ્યાન ભક્તો શ્રી કૃષ્ણના અલૌકિક સ્વરૂપના
દર્શન કરી કૃતકૃતાર્થ થયા હતા. જન્માષ્ટમી પર રાત્રે 12:00 વાગ્યે ભગવાન કૃષ્ણની મહા
આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
હતા અને મધ્ય રાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડીને ‘જય રણછોડ માખણચોર, અને નંદ ઘેર
આનંદ ભયો‘ ના નાદ સાથે વધાવી હતી.