મિઝોરમના
ચિન્મય સુતારે રમી અણનમ 443 રનની ઇનિંગ્સ, નિંબાળકરની એલિટ ક્લબમાં મેળવ્યું સ્થાન
નવી
દિલ્હી, તા.19 : ટ્રોફીમાં સોમવારે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. બીજા રાઉન્ડના મુકાબલા
દરમિયાન મિઝોરમના મીડલ ઓર્ડર બેટર ચિન્મય સુતારે મેરેથોન ઇનિંગ્સ રમી ચોવડી સદી (400
રન) ફટકારીને ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો પર પોતાનું નામ અંકિત કરી દીધું છે. રણજી ટ્રોફીના
9 દાયકાથી વધુ લાંબા ઇતિહાસમાં ક્વોડ્રુપલ સેન્ચુરી ફટકારનાર સુતાર બીજો ભારતીય બેટ્સમેન
બન્યો છે. આ પૂર્વે 1948-49ની સિઝનમાં મહારાષ્ટ્ર તરફથી રમતા ભાઉસાહેબ બાબાસાહેબ (બી.બી.)
નિંબાળકરે કાઠિયાવાડ સામે અણનમ 443 રનની ઇનિંગ્સ રમી હતી.
77
વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કોઈ બેટરે 400 રનનો જાદુઈ
આંકડો પાર કર્યો છે. સોવિમા ખાતે નાગાલેન્ડ સામે રમાઈ રહેલા પ્લેટ ગ્રુપ મેચના બીજા
દિવસે 29 વર્ષીય સુતારે અગાઉના દિવસના વ્યક્તિગત સ્કોર 181 રનથી આગળ રમવાનું શરૂ કર્યું
હતું. ત્રીજા સત્ર સુધી ક્રીઝ પર અડીખમ રહીને તેણે માત્ર 517 દડામાં 46 ચોગ્ગા અને
7 છગ્ગાની મદદથી અણનમ 400 રન ફટકાર્યા હતા. મિઝોરમે 9 વિકેટે 581 રન બનાવી પ્રથમ દાવ
ડિક્લેર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે સુતારે ચાલુ મહિને જ મણિપુર સામેની મેચથી ફર્સ્ટ-ક્લાસ
ડેબ્યૂ કર્યું હતું, જ્યાં પ્રથમ ઇનિંગ્સમાં 35 રન બનાવ્યા બાદ બીજી ઇનિંગ્સમાં તે
99 રને આઉટ થયો હતો.
સુતારની
આ ઇનિંગ્સમાં 11મા ક્રમના બેટર લાલરેમપુઇયા છકછુઆકની ધીરજ નિર્ણાયક સાબિત થઈ હતી. મિઝોરમે
392 રન પર 9મી વિકેટ ગુમાવી દીધી ત્યારે સુતાર પોતાની ચોવડી સદીથી ખાસ્સો દૂર હતો.
જોકે છકછુઆકે એક છેડો મજબૂતીથી સાચવી રાખી 76 દડાનો સામનો કર્યો અને 14 રને અણનમ રહ્યો
હતો.