• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

આજે દશેરા: મેંઘવારી ભૂલીને ખરીદીના શુકન સચવાશે

સૌરાષ્ટ્રભરમાં કરોડો રૂપિયાનું ખર્ચ ગાંઠિયા, દૂધની મીઠાઇઓ, જલેબી અને સાટા પાછળ થશે

રાજકોટ,તા.19: (ફૂલછાબ ન્યૂઝ) નવરાત્રીની ધૂમધામથી ઉજવણી પછી આવતીકાલે દશેરાનો શુભ દિવસ આવી રહ્યો છે. સોના-ચાંદીના ઝવેરાત, નવા વાહનો, હોમ એપ્લાયન્સીસ, મીઠાઇ ફરસાણ ખરીદી ઉપરાંત ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનો માટે પણ અબૂઝ મુહૂર્તમાં અનેક લોકો તૈયાર છે. સૌથી વધારે ખરીદી મીઠાઇ-ફરસાણ અને નવા વાહનોમાં થાય એવી શક્યતા છે.

ઇ કોમર્સ કંપનીઓના સેલની સીઝન રવિવારે પૂરી થઇ છે, હવે ડિસ્કાઉન્ટ સંકોચાયા છે છતાં ધૂમ વેપાર થયો છે. હવે ફિઝિકલ બજારોમાં વેપારની એકદિવસિય મોસમ ખૂલશે. મોંઘા થયેલા મીઠાઇ-ફરસાણની ચૌરેને ચૌટે ખરીદી થશે. રાજકોટ તથા સૌરાષ્ટ્રભરમાં કરોડો રૂપિયાનું ખર્ચ ગાંઠિયા, દૂધની મીઠાઇઓ, જલેબી અને સાટા પાછળ કરવામાં આવશે. મોંઘવારીએ માઝા મૂકી છે એટલે ભાવવધારો 10-20 ટકા શોપ-ડેરી પ્રમાણે થઇ ચૂક્યો છે. બેસનથી માંડીને ખાંડ -દૂધ બધી વસ્તુઓમાં ભાવવધારો મોંઘવારીને ભડકાવે છે.

સોના-ચાંદીના ઝવેરાત પણ આવતીકાલે ખરીદવામાં આવશે. દશેરાના વણજોયા મુહૂર્તમાં ખરીદી તો થશે પણ તોતીંગ ઉંચા ભાવને લીધે માપમાં સોદા થાય એમ છે. અલબત્ત અત્યારે 10 ગ્રામના કોઇપણ દાગીના પોણા બે થી બે લાખમાં પડતર થતા હોય સોના કરતા લોકો ચાંદી અથવા હળવા વજનની વસ્તુ પસંદ કરતા થયા છે. એમાં થોડી માગ વધશે. દિવાળી પહેલા દશેરા મોટું મુહૂર્ત હોવાથી વેપારીઓને આશા છે. સોનું 10 ગ્રામે રૂ. 1.50 લાખ અને ચાંદી રૂ.2.11 લાખ સુધી પહોંચી છે. જે ટોપથી સસ્તી થઇ છે પણ ગયા વર્ષ કરતા ઉંચા ભાવ છે.

નવા વાહનોમાં કાર, બાઇક અને ઇ સ્કુટર માટે એડવાન્સ બાકિંગ ખૂબ થયા છે ત્યારે આ વાહનોનો કુલ આંકડો રાજકોટમાં આશરે પંદરસોથી બે હજાર કરતા વધારે ઉંચો જવાની શક્યતા છે. પેટ્રોલિયમના ભાવ ઉંચા હોવા છતાં વાહનોના વેચાણમાં ઓટ આવતી નથી. વાહનોની સાથે હોમ એપ્લાયન્સીસની વસ્તુઓમાં ફ્રીઝ, વોશીંગ મશીન, ટીવી, રસોડામાં વપરાતા નાના મોટાં વ્હાઇટ ગુડઝની પણ ખરીદી વધવાની આશા છે. આ વર્ષે તમામ ચીજોમાં યુધ્ધનો ભાવવધારો ઘૂસાડી દેવાયો છે. બાદમાં અપાતા ડિસ્કાઉન્ટથી લોકોને થોડી કળ જરુર વળશે.

દશેરાના દિવસે નવા ધંધાના શુકન-ઉદ્દઘાટન, ખાતમુહદ્નર્ત, નવા ઘરની ખરીદીમાં એડવાન્સ એમાઉન્ટ ચૂકવવાના પણ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યા છે. ઠેર ઠેર શુભકાર્યો થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક