• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ગોંડલના મોવિયામાં ઘરમાં ઘૂસી મૂક-બધીર પરિણીતા પર દુષ્કર્મ

હવસખોર શખસને ઝડપી લેતી પોલીસ

ગોંડલ, તા.19 : ગોંડલના મોવિયા ગામે એક શરમજનક બનાવ સામે આવ્યો છે. એક મૂક-બધીર પરિણીતા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક શખસે ઘરે ધસી જઈ પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર શખસને અટકાયતમાં લીધો હતો.

ગોંડલના મોવિયા ગામે દિવ્યાંગ (મૂક-બધીર)પરિણીતાના પતિ કામ અર્થે બહાર ગયા હતા ત્યારે ગિરીશ ભીખુ જેઠવા નામના શખસે ઘરમાં ઘૂસી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલે પરિણીતાના પતિએ પરિણીતા સાથે વાતચીત કરતા તેણીએ સાંકેતિક ભાષામાં આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, તેણી ગઈકાલે ઘરમાં એકલી હતી ત્યારે ગામમાં દરજી કામ કરતો શખસ ગિરીશ જેઠવા ઘરે આવી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન જેઠ ઘરે આવી જતાં ગિરીશ જેઠવા નાસી ગયો હતો. બનાવ અંગે પરિણીતાના જેઠે ફોન કરી તેના નાના ભાઈ અને પીડિતાના પતિને બનાવ અંગે જાણ કરી હતી. પીડિતાના પતિએ ફરિયાદ આપતાં તાલુકા પોલીસ મથકના પી.આઈ. યુ.આર. ડામોર અને પી.એસ.આઈ. જી.બી. જાડેજા સહિતે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર શખસની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક