• શનિવાર, 20 એપ્રિલ, 2024

આમ્રપાલી બ્રિજનો વોક-વે લૂખ્ખા તત્વોનો અડ્ડો

કિસાનપરા, રાધાકૃષ્ણ તેમજ કર્મચારી સોસાયટીઓની મહિલાઓએ કર્યું વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા.6 : રૈયા રોડ ઉપર આમ્રપાલી ફાટકથી સર્જાતી હતી તે ટ્રાફિક સમસ્યાથી લોકોને મુક્તિ મળી છે પરંતુ અહીં શહેરીજનોની સુવિધા અર્થે અંડરબ્રિજની સાથે જે વોક-વે બનાવવામાં આવ્યો છે તેના કારણે લોકોની મુશ્કેલીઓમાં અચૂક વધારો થયો છે. વોક-વે દારૂડિયા તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, અહીં નસેડીઓ પડયાં-પાથર્યા રહેતા હોવાનું ધ્યાને આવતાં અને સ્થિતિમાં કોઈપણ પ્રકારનો સુધારો થતાં અંતે વિસ્તાર આસપાસ આવેલી સોસાયટીઓની મહિલાઓએ આજે રણચંડી બનીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું કે, કિસાનપરા, રાધાકૃષ્ણ સોસાયટી તેમજ કર્મચારી સોસાયટીઓની મહિલાઓને આમ્રપાલી વિસ્તારમાં ખરીદી કરવા જવું હોય તેમણે બ્રિજના વૉક-વેમાંથી પગપાળા પસાર થવું પડે છે તેઓ જ્યારે વૉક-વેમાંથી પસાર થાય એટલે અહીં અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવીને બેઠા હોય છે અહીં બિન્દાસ્તપણે દારૂ પીવાઈ રહ્યો છે તેમજ ચરસ-ગાંજાનું સેવન પણ થઈ રહ્યું છે. અંગે વાંરવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા ભરવામાં આવ્યાં નથી.

મહિલાઓએ એમ પણ ઉમેર્યુ હતું કે, અનેકવાર વૉક-વેમાં અડ્ડો જમાવીને બેઠેલા અસામાજિક તત્ત્વો ચિક્કાર નશામાં મહિલાઓની છેડતી કરતા પણ અચકાતા નથી. એકંદરે લોકોની સગવડ માટે બનાવવામાં આવેલો વૉક-વે સામાન્ય લોકો કરતાં અસામાજિક તત્ત્વોને વધુ સગવડ આપી રહ્યાનો રોષ પણ મહિલાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સત્વરે અહીં પોલીસ દ્વારા અહીં વ્યવસ્થિત ચેકિંગ કરવા, સિક્યુરિટી તેમજ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઉભી કરવાની માગણી તેઓએ અંતમાં કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક