• રવિવાર, 21 જુલાઈ, 2024

લોકસભા સ્પીકર કોણ ? : સરકાર-વિપક્ષમાં ખેચતાણ NDAમાં સર્વ સંમત્તિનો સૂર, ટીડીપી ઉમેદવારને ટેકાનો વિપક્ષનો દાવ

નવી દિલ્હી, તા.16 : દેશમાં ત્રીજીવાર કેન્દ્રમાં મોદી સરકાર તો રચાઈ ગઈ પરંતુ ભાજપા સામે મુશ્કેલીઓ ઓછી નથી. એનડીએ સરકારમાં ટેકેદાર દળોના સાંસદોને મંત્રી પદ આપી રાજી કરાયા છે પરંતુ લોકસભાના સ્પીકર પદની ખેંચતાણ હજુ દૂર થઈ નથી. ઉદ્ધવની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જો ટીડીપી સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉતારશે તો ઇન્ડિયા ગઠબંધન સમર્થન સુનિશ્ચિત કરવા પ્રયાસ કરશે.

સૂત્રો અનુસાર એનડીએના મુખ્ય સહયોગી જેડીયુ અને ટીડીપીની નજર લોકસભાના સ્પીકર પદ પર છે. ભાજપ આ પદને પોતાની પાસે જ રાખવા ઈચ્છે છે પરંતુ સ્થિતિ હવે પૂર્વ બે સરકારના કાર્યકાળ જેવી એકતરફી નથી. હવે જો ડે.સ્પીકર પદ આપવામાં ન આવે તો ઇન્ડિયા ગઠબંધન પણ લોકસભા સ્પીકર પદની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે. 18મી લોકસભા માટે સ્પીકર પદની ચૂંટણી ર6 જૂને યોજાવાની છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેડીયુ અને ટીડીપી બન્નેએ આ પદની ભાજપા પાસે માગ કરી છે. આંતરીક રીતે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે અને સર્વસંમતિ સાધવા પ્રયાસ ચાલી રહયા છે. સીધી રીતે નીતિશ અને ચંદ્રાબાબુ ભાજપ-એનડીએને ટેકાની વાત કરે છે પરંતુ અંદર ખાને આ પદ માટે દાવેદારીથી ઈનકાર કરી શકાતો નથી. જેડીયુ નેતા કેસી ત્યાગીએ જણાવ્યું કે તેમની પાર્ટી અને ટીડીપી બન્ને એનડીએ સરકારની સહયોગી છે અને લોકસભા સ્પીકર તરીકે ભાજપ જે નામ પસંદ કરશે તેને બન્ને દળ સમર્થન આપશે. સામાન્ય રીતે સ્પીકર હંમેશાં સત્તાધારી પાર્ટીના હોય છે કારણ કે તેમના સાંસદોની સંખ્યા ગૃહમાં સૌથી વધુ હોય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક